રાજ્યની સાથે કચ્છમાં મોડે મોડે પણ વૈશાખી તાપે પોતાનો આકરો મિજાજ દેખાડવાનું શરૂ કર્યું છે. મહત્તમ પારો સડસડાટ ઊંંચે ચડી 44 ડિગ્રીની નજીક પહોંચતાં આભમાંથી અંગારા વરસતા હોય તેવો ચામડી દઝાડતો તાપ વાગડથી લઈ લખપત સુધી અનુભવાયો હતો. તો હવામાન વિભાગે બળતાંમાં ઘી હોમવા સમાન આગાહી કરી હજુ બે દિવસ ગરમીનું આકરું મોજું કચ્છને દઝાડશે તેવી વસમી આગાહી કરી છે. જિલ્લા મથક ભુજમાં 43.4 અને કંડલા એરપોર્ટમાં 43.6 ડિગ્રીએ પહેંચેલાં મહત્તમ તાપમાને વર્તમાન ઉનાળાની સિઝનના સૌથી ગરમ દિવસની અનુભૂતિ કરાવી હતી. સતત જોવા મળેલાં માવઠાંના માહોલનાં કારણે ઉનાળાનો આકરો દોર થોડો વિલંબિત શરૂ થયો છે, પણ આકરા તેવર સાથે જ સૂર્યનારાયણે રીતસરના અંગારા વરસાવવાના શરૂ કર્યા હોય તેમ માથું ફાડી નાખે તેવા આકરા તાપ સાથે જાણે કે કોઈ ભઠ્ઠીમાંથી પસાર થઈ રહ્યા હોય તેવી દાહકતાનો અનુભવ કરાવતી લૂ વર્ષાથી જનજીવન રીતસરનું લાલચોળ બની ગયું છે. જિલ્લા મથક ભુજમાં વર્તમાન ઉનાળાની સિઝનમાં પ્રથમવાર પારો 43.4 ડિગ્રીએ પહોંચતાં શહેરીજનોએ વર્તમાન ઊનાળાનો સાથી ગરમ દિવસ આકુળ વ્યાકુળ થઈને પસાર કર્યો હતો. મોડી સાંજ સુધી લૂ વર્ષાનો દોર જારી રહેવા સાથે રાત્રિના ભાગે પણ પરસેવે રેબઝેબ કરી મૂકે તેવો ઉકળાટ અનુભવાયો હતો. આ તરફ, અંજાર – ગાંધીધામ સંકુલને આવરી લેતા કંડલા એરપોર્ટ કેન્દ્રમાં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રીએ પહોંચતાં કચ્છમાં સૌથી વધુ આકરો તાપ આ વિસ્તારમાં અનુભવાયો હતો. સવારથી જ આદિત્ય નારાયણ આકરાં પાણીએ તપવા લાગ્યા હતા અને જનજીવન ત્રાહિમામ પોકારી ઊઠવા પર મજબૂર બન્યું હતું. સમગ્ર રાજ્યમાં ભુજ અને કંડલા એરપોર્ટ સહિત 9 શહેર એવાં હતાં કે જ્યાં તાપમાન 43 ડિગ્રીને પાર થયું છે. વલ્લભવિદ્યાનગર 44.1 ડિગ્રીએ રાજ્યનું પ્રથમ તો કંડલા એરપોર્ટ ચોથું અને ભુજ છઠ્ઠા નંબરનું ગરમ મથક બન્યું હતું. શિયાળામાં રાજ્યમાં સૌથી વધુ ઠરતાં નલિયામાં પણ તાપમાન 40 ડિગ્રીએ પહોંચતાં અબડાસા તાલુકો પણ પ્રખર તાપમા શેકાયો હતો. રાપર અને ખાવડામાં 41 ડિગ્રીએ કચ્છની રણકાંધી પણ અગનભઠ્ઠી બની હતી. હવામાન વિભાગે આગામી બે દિવસ કચ્છ સહિતના જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરી તાપમાન 42થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરી છે. તો ભેજયુક્ત ગરમ પવન ફૂંકાતાં લૂનો કોપ જારી રહેવાની સંભાવના દેખાડાઈ છે. ગરમીનાં આકરાં મોજાંની ચેતવણીને લઈ હવામાન વિભાગે લૂથી બચવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.’
