કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પુરી થઈ ગઈ છે અને કોંગ્રેસની જીત સાથે બીજેપી માટે 2024ની લોકસભા ચૂંટણીને લઈને ખતરાની ઘંટી વાગી છે. બીજેપીને દેશમાંથી સાફ કરવાના ઈરાદા રાખતા વિપક્ષ માટે આ મોટી જીત છે. બીજેપીની હાર સાથે દેશના વધુ એક રાજ્યમાંથી ભગવો હટ્યો છે.
કર્ણાટકમાં હાર પછી લોકો ભારતના નકશામાંથી બીજેપીની થઈ રહેલી બાદબાકીને લગતી બાબતો પર ભાર મુકી રહ્યા છે. દક્ષિણનો કિલ્લો કહેવાતા કર્ણાટક પહેલા હિમાચલ પ્રદેશમાં પણ બીજેપીની હાર થઈ હતી.


2024ની ચૂંટણીને હવે થોડા મહિના બાકી છે. રાજ્યોમાં બીજેપીની સ્થિતિ કેન્દ્રીય ચૂંટણી પરિણામો પર પણ અસર કરી શકે છે. આ સ્થિતિમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે રાજ્યો એટલે કે કેટલી રાજ્ય વિધાનસભાઓમાં બીજેેપી સ્પષ્ટ બહુમતી ધરાવે છે.
કર્ણાટક ચૂંટણીના પરિણામો પહેલા બીજેપીએ દેશના કુલ 37 રાજ્યો અને પ્રદેશોમાંથી 20 થી વધુમાં સરકાર બનાવી હતી. બીજી તરફ કર્ણાટક ઉપરાંત હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારો છે.
બહુમતિ સરકાર અને ગઠબંધન સરકારો સહિત કોંગ્રેસને 30 ટકાથી વધુ વસ્તીનું સમર્થન છે. સાત રાજ્યોમાં ભારતની કુલ વસ્તીના લગભગ 30 ટકા છે.
સ્વતંત્ર સરકારની વાત કરીએ તો બીજેપીની 9 રાજ્યોમાં બહુમતી છે. આ રાજ્યોમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, ગોવા, આસામ, ત્રિપુરા, મણિપુર અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોની વસ્તી 34 ટકાથી વધુ છે.
આ સિવાય બીજેપી 6 રાજ્યોમાં સરકારને સમર્થન આપી રહી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ અને પુડુચેરીમાં બીજેપી ગઠબંધનથી સરકારોમાં સામેલ છે.આ રાજ્યોની વસ્તી દેશના 11.6 ટકાથી થોડી વધુ છે.
8 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં બીજેપી કે કોંગ્રેસ સત્તામાં નથી. તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ, મિઝોરમ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દિલ્હીના મતદારોએ ભાજપ-કોંગ્રેસ સિવાયના ત્રીજા પક્ષને સમર્થન આપ્યું છે