ભવ્ય ભૂતકાળમાં ડોકીયુ
*(ગુંજતું અને ગાજતુ ગામડુ)*

ઘમ્મર વલોણા નાદ જયાં પરભાત ગાયો ભાંભરે,
સારંગ ટહુકા ગાન કલરવ,ઘંટ,ઝાલર મંદિરે,
તુલસી ક્યારે દિપ પ્રગટે શ્વાન રોટી આપતા,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
ભતવારી લેતી ભાત માથે વાટ કંથા નિરખતા,
સક્કર સરખા રોટલાને મહી મટકા ઉભરતાં,
ખેડુ જાગે પોર ચોથો વ્હાલ વૃષભ વેરતા,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
ભેંસ ખાડુ ગામ ગૌધન પાર પાવા વાગતા,
દાણ દેતા દિલ દરિયા ગોવાળ મનડાં હરખતાં,
ઉત્સવ ઉજવે મોજ મેળા મનખ સૌએ માણતાં,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
નાગ પાંચમ, માત શીતળા કાન જનમ ઉજવતાં,
ઝીલણ ઠાકર ગરવો ગરબો આવે નવલાં નોરતાં,
ખળવાળ ખેડુ હાક હાલરું ધાન મબલખ પકવતા,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
ઘેઘુર વડલા,નદી ખળખળ સીમ સોને ઝળહળે,
કણ મુછાળા કોઠરેને અમી ઝરણાં ખળખળે,
હેત હેલી મનેખ ભોળુ ધોધ ઉરથી છલકતા,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
ભરત, ગૂંથણ હીર ઝુલા ધીડી ધીંગા ગૂંથતી,
સંધ્યા ટાણે ઠાકર મંદિર નિત ઝાલર ગુંજતી,
હેલ માથે કૂખ છોરું તોય મુખડાં મલકતાં,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
લાય લાગી હાય ધનની દાટ વાળ્યો મશીનીયે,
ગયા બળદો ગઈ ગવતરી માપ થઈ ગ્યા ભરતીયે,
“શંકર” સમય છે ચેતજે સાંભળ વખતની વારતા,
વખત ઈ વયો ગયો દિન ઉગે ગામડાં ગાજતાં.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
રચના-: શંકરસિંહ સિંધવ(લોકસાહિત્યકાર)
ટાઈપીસ્ટ-વ્યાસ દિનેશ-દિનકર
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸