અજાણ્યું કોઈ અચાનક પરિચિત થઈ જાય
અંતર એને જોયા વગર વિચલીત થઈ જાય

પ્રેમ લાગણીની આપણી, નિષ્કલંક રમતમાં
ક્યારેક હું હારું, તો ક્યારેક તું ચીત થઈ જાય
તાપી લે તું પણ, આ અગનમાં ડૂબી જઈને
સમજાશે, પ્રેમ જૂનો કેમ જર્જરિત થઈ જાય
જવા જેવું નથી હોતું જૂની યાદોના ખંડેરમાં
વિચારતાં જ આ કાળજું ભયભીત થઈ જાય
અર્થ સહારાનો મારાથી વધુ કોણ સમજી શકે?
જરૂરતમાં સૌ આવી લાગણીની ભીંત થઈ જાય
માણસને ચાહવાની પણ આતુરતા છે કેવી?
નિષ્પ્રાણ પથ્થર સાથે કોઈવાર પ્રીત થઈ જાય
ચાલ, કંઈ જુદું કરી બતાવીએ દુનિયાથી
નવા હવેથી અહીં, રિવાજ ને રીત થઈ જાય
શ્વાસ તારા જો મળે, આ શ્વાસને આજીવન
હર શ્વાસ મારો તો, મનગમતું સંગીત થઈ જાય
– પુજન મજમુદાર