મારી તાજેતરની સ્વરચિત લધુવાર્તા અહીં સાનંદ પ્રસ્તુત કરું છું.👇

*શીર્ષક:-* ‘સુખનો નવો આયામ’
સ્નેહલ અને શ્રુતિ બંને સાઈઠી વટાવી ચૂકેલા જીવનના પાછલા પડાવે પહોંચેલા પરિપક્વ વ્યક્તિત્વ હતાં. બંને એકબીજાથી તદ્દન અજાણ અને અપરિચિત હતાં. આજે અનાયાસે દિલ્હી જતી ફ્લાઈટ વિલંબ થવાથી એરપોર્ટ પર બંને ખૂબ શાંતિથી પોતાની સાથે લાવેલ બુક્સના વાંચનમાં વ્યસ્ત થઈ ગયા. થોડાં સમય પછી જાહેર થયું કે ફ્લાઇટ અનિશ્ચિત સમય માટે વિલંબિત છે. હવે સ્નેહલ અને શ્રુતિ બંનેએ બુક્સ બાજુમાં મૂકી. કેમ સમય પસાર કરવો તે વિચારવા લાગ્યા.
હવે સ્નેહલનું ધ્યાન નજીકની સીટ પર બેઠેલી શ્રુતિ પર પડ્યું. માથે સફેદ વાળ અને જાજરમાન વ્યક્તિત્વ. જોતાં જ જણાતું હતું કે આ મહિલા સુશિક્ષિત, સ્વમાની અને ઊંચું બુદ્ધિસ્તર ધરાવતી સ્ત્રી છે. સ્નેહલ પણ માથામાં સફેદ વાળની લટોથી શોભતો તાજગીભર્યા આકર્ષક વ્યક્તિત્વનો માલિક હતો. શ્રુતિએ સ્નેહલ તરફ ડોક ફેરવીને આંખોથી સંપર્ક પ્રસ્થાપિત કરી બોલી, ‘પેસેન્જરોની અગવડ વિશે આ લોકોને કોઈ ચિંતા જ નથી?’ સ્નેહલે પણ મંદ હાસ્ય સાથે જવાબ આપ્યો, ‘ હા, પરંતુ હવે સમય તો પસાર કરવો જ રહ્યો. ચાલો વાંધો નહીં, શું તમારી સાથે થોડી વાત કરી શકું?’ ‘હા, હા જરૂર, મને શું વાંધો હોય?’ શ્રુતિએ સંવાદ સાધતાં જવાબ આપ્યો.
બંને એરપોર્ટ લોન્જમાં ચા-કોફી અને હળવો નાસ્તો કરવા માટે ગયા. વાતનો દોર શરૂ થયો. સ્નેહલ એક જાતમહેનતે ઉભી કરેલ બિઝનેસ એમ્પાયરનો માલિક હતો. જીવનમાં સફળતાને વરેલો હતો. શ્રુતિ શહેરની એક પ્રતિષ્ઠિત મહિલા કોલેજમાં પ્રિન્સિપાલ રહી ચૂકી હતી. શ્રુતિ પાંચ વર્ષ પહેલાં સંપૂર્ણ નિવૃત્તિ લઇ ચુકી હતી. સ્નેહલ પોતાનો બિઝનેસ તેના પુત્રને હવાલે કરીને શાંતિનું જીવન વ્યતિત કરતો હતો.
સ્નેહલ પાંચ વર્ષ પહેલાં પત્ની શ્રેયાના અણધાર્યા અવસાન પછી ખૂબ એકલો પડી ગયો હતો. શ્રેયા વગર જિંદગી જીવવાની કલ્પના સુદ્ધાં તેણે આટલા વર્ષોમાં કરી નહોતી. શ્રેયાના મૃત્યુ પછી સ્નેહલ હચમચી ગયો હતો. સ્નેહલને આ ઉંમરે શ્રેયાની લાગણીસભર ટેકાની માનસિક રીતે ખૂબ જ જરૂર હતી ત્યારે તેણે શ્રેયાને ગુમાવી દીધી હતી. ધીરે ધીરે તે આધ્યાત્મિકતા તરફ વળ્યો અને હરદ્વાર-ઋષિકેશના આશ્રમમાં જઈ પોતે એકાંતમાં શાંતિ મેળવવાનો પ્રયાસ કરતો હતો.
શ્રુતિની પણ કંઈક આવી જ કહાણી હતી. સમીર સાથેનાં લગ્નજીવનમાં તે ખુબ ખુશ હતી. લગભગ આઠ વર્ષ પહેલાં સમીરનું અતિ ગંભીર હૃદયરોગના હુમલામાં અવસાન થયું. શ્રુતિ આ કારમો આઘાત તો જીરવી ગઈ પરંતુ જીવનમાં અત્યંત એકલી પડી ગઈ. એકની એક દીકરીના લગ્ન થઈ ગયા પછી એકલતા તેને ડસવા લાગી. છેલ્લા થોડા સમયથી તે પણ આધ્યાત્મિકતા તરફ વળી હતી. તે પણ અવારનવાર હરિદ્વાર-ઋષિકેશ ના આશ્રમમાં જઈ આધ્યાત્મિકતાના વાતાવરણમાં પોતાનો સમય પસાર કરતી હતી.
સ્નેહલ અને શ્રુતિ બંનેએ એકબીજા સાથે જાણે વર્ષોની મિત્રતા અને ઓળખાણ હોય તે રીતે ખુલ્લા હૃદયથી બધી જ વાત કરી. બંનેને એકબીજા સાથે વાત કરવું ખૂબ ગમ્યું. એકબીજાનું સાન્નિધ્ય ગમવા લાગ્યું. બંનેને જાણે એવી પ્રતીતિ થઈ કે ઉંમરના આ પડાવે આજે અનાયાસે તેમની મુલાકાત થઈ એ પણ કુદરતનો કોઈ શુભ સંકેત જ હતો. ઉંમરના આ મુકામે જે પરિપક્વ મિત્રતા શોધી રહ્યા હતા તે કદાચ આજે એકબીજાના સ્વરૂપે મળી હતો. સ્નેહલ અને શ્રુતિએ બંનેએ નક્કી કર્યું કે, હવે પછીની બાકી રહેલી જિંદગીમાં તેઓ કોઈપણ અપેક્ષાઓ વગર એકબીજાના મિત્ર બનીને રહેશે અને એકબીજાની સાથે લાગણી અને સંવેદનાઓના તારે જોડાયેલા રહેશે. તેમને તો એક એવો સાથ જોઈતો હતો જે સંબંધોની પવિત્રતાની સાથે તેમના બાકી રહેલા જીવનને આનંદભેર ઊજવી શકે. તેમનું આજનું મિલન તેમના જીવનમાં સુખોનો એક નવો આયામ ઊભો કરી ગયું.
✍️ નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૦ મે ૨૦૨૨