ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પૂર્વ વિદ્યાર્થીના નિશ્વાર્થ ફાઉન્ડેશન ધ્વારા કોલેજના વિદ્યાર્થીઓને છેલ્લા સાત વર્ષથી સ્કોલરશીપ આપવામાં આવે છે. અત્યાર સુધી લગભગ ૭૦ લાખ રૂપીઆની મદદ કરી પોતાની માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. આ સ્કોલરશીપ પ્રોગ્રામમાં એચ.એ.કોલેજના જે વિદ્યાર્થીઓ બી.કોમ. થયા હોય ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ લેવા માટે દેશના કોઈપણ શહેરમાં જાય તેવા વિદ્યાર્થીઓને પ્રસ્થાપીત નિયમ પ્રમાણે ટ્યુશન ફીની રકમ નિશ્વાર્થ ફાઉન્ડેશન ધ્વારા ચૂકવવામાં આવે છે. કોલેજના એક વિદ્યાર્થીને આઈ.આઈ.એમ. કલકત્તામાં પ્રવેશ મળ્યો છે તેની ફી પણ ચૂકવવામાં આવી છે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોલેજના પૂર્વ વિદ્યાર્થી ધ્વારા અપાતી માતબર રકમની સ્કોલરશીપ એક અભૂતપૂર્વ ધટના છે. કોઈપણ જાતના પ્રચાર કે પ્રસાર કર્યા સિવાય માત્ર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થીક મદદ કરી તેના કુટુંબની સધ્ધરતા આવે એજ તેમનો નમ્ર પ્રયાસ રહ્યો છે. માનવ સેવા એજ માધવસેવા સુત્રને લઈને મદદરૂપ થવાની ભાવના આજના સમયમાં જોવા મળે એ જવલ્લેજ બનતી ઘટના છે. નિશ્વાર્થ ફાઉન્ડેશનના ડાયરેકટર, કોલેજ કમિટીના સભ્યો તથા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
