આ એક વૃક્ષ ની ડાળી
આડી પડેલી ડાળી,
એના પર બેસી હું
કંઈક વિચારી રહી છું;
હવા ગાય છે
શબ્દહીન ગીતો…
તેની ડાળીઓમાં.
પડઘાય છે એ ગીતો…
હું જાણું છું..
કે ઝાડની નિયતિ કાગળ બનવામાં છે…!
એક કાગળ શબ્દનો પિપાસુ
હું જાણું છું!
એક શબ્દ કાગળ પર અંકિત થવા તલસે છે,
એક શબ્દ કાવ્ય-ગીત
બનવા માટે બેચેન..!
હું જાણું છું
એક એક અલિખિત કવિતા પોતાના પ્રથમ
શબ્દ માટે તરસી છે
એક કવિતા પોતાના કવિની શોધમાં…!
પરંતુ હું એ પણ જાણું છું
કે કવિ ઉદાસ બને છે,
જ્યારે કાગળ બનાવવા માટે
વૃક્ષને તોડી પાડવામાં આવે છે!
શું વીતે છે આભ, ધરા પર,
વૃક્ષ પડે છે ત્યારે?
વ્યાકુળ થઇ જાતું સચરાચર,
વૃક્ષ પડે છે ત્યારે!
ટહુકાઓ પણ દિશા ભૂલી, અફળાતા ચારે બાજુ
રૂદન કરે છે પંખીના સ્વર,
વૃક્ષ પડે છે ત્યારે!
થોડી ઝાઝી અસર થવાની સંવેદન પર સહુના,
માણસ હો કે હો એ પથ્થર,
વૃક્ષ પડે છે ત્યારે!
એમ મને લાગે કે ઓછું થયું
કશું મારામાં,
હું પણ તૂટું મારી અંદર,
વૃક્ષ પડે છે ત્યારે
કોરી પાટી જેવી ધરતી
નીરખો તો સમજાશે!
ભૂંસાતા ઇશ્વરના અક્ષર,
વૃક્ષ પડે છે ત્યારે!
-ડો. દક્ષા જોશી.
અમદાવાદ
ગુજરાત.
