તાંત્રિક વિદ્યાના બહાને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ઠગ ટોળકી ઝડપાઈ ગઈ છે. આ તાંત્રિક ટોળકી છેતરપિંડી માટે તાંત્રિક વિધી કરતા વીડિયો પણ બનાવ્યા હતા. હાલ તો SOGએ 3 આરોપીની ધરપકડ કરી રૂપિયા 9 લાખ કબ્જે કર્યા છે. જ્યારે ગેંગના અન્ય ફરાર આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ SOGની ટીમે અનવર ઉર્ફે અનવર બાપુ ઠેબા, પરવેઝઅલી સૈયદ અને મઝહર શેખની ધરપકડ કરી છે. આ ઠગ ટોળકી લોકોને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી હતી.
જેમાં અનવર બાપુ પોતે તાંત્રિક હોવાનુ જણાવીને લોકોને રૂપિયા ડબલ કરી આપવાનું તિકડમ પણ બતાવતા હતા. આ ઠગ ટોળકીએ તાજેતરમાં જ સરખેજના એક વેપારીને પોતાની જાળમાં ફસાવ્યા અને રૂપિયા 11 લાખ પડાવી લઈ ફરાર થઈ ગયા હતા. જે ગુનામા એસઓજીએ આ ટોળકીની ધરપકડ કરી છે. જોકે આ ગેંગના અન્ય આરોપી ફરાર છે. જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, અનવર બાપુ પોતાને પ્રખર તાંત્રિક સાબિત કરવા માટે સાગરીતો સાથે મળી તાંત્રિક વિદ્યાના કેટલાક વીડિયો પણ બનાવ્યા હતા. જે વીડિયો માત્ર જે વેપારીને ટાર્ગેટ કરવાના હોય તેને બતાવવામાં આવતો હતો. જેમાં અનવર બાપુ કે જે તાત્રિંક હોવાનો ઢોંગ કરતો હતો. તે લીંબુ હવામાં તરતુ કરવુ, શ્રીફળમાંથી અનાજના દાણા કાઢવા, કંકુ નિકાળવુ વગેરે જેવી તાંત્રિક વિદ્યા કરતો હતો.
જ્યારે કોઈને છેતરવાનો હોય, ત્યારે ડોલમાં પાણી રાખી તેમાં શેમ્પુ નાખતો અને બાદમાં ચલણી નોટ પર ટૂથપેસ્ટ લગાવી તેને પાણીમાં ધોયા બાદ અસલી નોટ હોવાનુ સાબિત કરતો હતો. આવી અલગ અલગ રીતે આરોપી લોકો પાસેથી લાખ્ખો રૂપિયા પડાવતો હતો.અનવર છેલ્લા 3 વર્ષથી આ રીતે બાપુ હોવાનો ઢોંગ કરતો અને પોતાનુ નામ રામ-રહીમ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો.
Suresh vadher