વાર્તાનું નામ: મૌન મિલન..!

ભીની પાંપણો પર અટકેલાં ને આંસુમાં તરી રહેલાં મૌન છતાં બૂમો પાડી રહેલાં એ પોતીકા શબ્દોને એ નાનકડાં ગડી વાળેલા કાગળમાં જાણે સંકેલી રહી હતી. એની આંખોની બેતાબ તડપ મૂક રહીને જ એને પત્ર વાંચી સંભળાવી રહી હતી કે પછી મૂંગી ફરિયાદ કરી રહી હતી..?!
પ્રિયતમ,
લગ્ન પછી આ પ્રથમ પત્ર તને લખી રહી છું. દિલ આકારનાં ગુલાબી કાગળ પર લીલાં રંગની મારી લાગણીઓને પાથરી રહી છું. આશા છે, પત્ર તારા હાથમાં આવતાં જ મારી મૌજદગીનો એહસાસ કરાવી તારા રોમ રોમમાં પ્રેમનો મીઠો કલરવ રણકાવી જશે.
પાંપણમાં છુપાવું કે શમણામાં સજાવું,
તું જ કહે હવે
આ તારી યાદોને ક્યાં કેદ કરી મલકાઉં..?!
આ યાદોની ચંચળતા જ તો છે પ્રિયે, જે વર્ષો સુધી ભીતર કોઈ ખૂણામાં મૌન દાવાનળ સ્વરૂપે ઊકળતી રહે છે. ને અચાનક કોઈ આહ્લાદક વાતાવરણમાં, (મદમાતી વર્ષા અને સંગ વિહરતો એ નટખટ વાયરો) કે કોઈ અમૂક પ્રસંગે કે સરકતાં સમયનાં કોઈ વહેણમાં તણાઈને એ પ્રીતરુપી લાવાને અશ્રુધારામાં પરિવર્તિત કરી વહી જાય છે. તો હા, ક્યારેક છુપા વિચારોમાં અટકી મોહક સ્મિતમાં પોતાની નોંધણી પણ ટપકાવી જાય છે.
ને ગમે ત્યારે શમણામાં આવીને અલપ ઝલપ કરવાનો જન્મ સિદ્ધ અધિકાર પણ મારાં જેવી વિરહણીએ જ તો તેને આપ્યો છે, એટલે જ તો અહમમાં એ ક્યારની મારી નજર સમક્ષ થનગનતી વિહરી રહી છે. જો કે.. આપણાં પ્રિય પાત્રને યાદોમાં જીવંત રાખી એ હક્ક પણ આપણે જ તો એને આપી દીધો છે.. તો પછી અભિમાન સ્વયં પર કેમ ના કરે એ ! ખરું કહ્યું ને વાલમ..?!
લગ્નનાં બીજાં જ દિવસે તું મારાથી જુદો થઈ તારા પ્રથમ પ્રેમને મળવા જતો રહ્યો, એ દિવસથી રોજ ઘડીઓ ગણી રહી છું. પ્રથમ રાત્રીનું આપણું એ મિલન આજે પણ મારાં તનબદનમાં જીવંત લહેરાઈ રહ્યું છે. ત્યાં માટીની મહેંક સાથે આપણાં પ્રેમની સોડમ, ક્યારેક તો તારી ભીતર પણ, વિરહમાં ઝૂરતી તારી આ વહાલીની યાદને ઝંઝોળી જતી હશે.
છુપાવ્યું છે છાનું છપનું શમણું એક,
પાંપણ પાર સજાવ્યું છે પ્રેમનગર એક..!
કદાચ દરેક વ્યકિત, પછી તે સ્ત્રી હોય કે પુરૂષ.. પોતાની અંદર એક મનગમતી છબીને સંતાડી રાખે છે, હા કોઈ એક ખૂણામાં જ. ને એમાંથી એક હું પણ છું મારાં પ્રાણસાગર.. ને મેળ પડે ત્યારે હરખાતાં, શરમાતાં સ્વપ્નરથમાં બેસી કંઈ કેટલાંય મનપસંદ ગીતો ગણગણતાં, તારી સાથે વિહરી આવું છું. એ સફરમાં તારી બાહુપાશમાં સમાતી હું ક્યારેક ઘણી આગળ નીકળી જાવ છું, એની પ્રતીતિ થાય છે, ત્યારે મન બેચેન થઈ આંખોમાંથી અશ્રુઓ વહાવી દે છે. બસ, આ પાગલ યાદોની કમાન થોડી નરમાઈથી ખેંચી રાખવી પણ જરૂરી હોય છે, એ વાત હું તારી ઝંખનામાં ભૂલી જ જાવ છું.
હું જાણું છું પ્રિયે, તું તો તારા પ્રથમ પ્રેમ, આપણાં દેશને ખાતર શહીદીની એક અનંત યાત્રાએ નીકળી ગયો છે. છતાં આ પત્ર લખવાની મારી ભીની નાદાન ઈચ્છાને હું રોકી ના શકી, તારી વાટમાં વિતાવેલી એ તડપતી પળો સંકેલી થોડું કહેવાનો હક્ક નહીં જવા દઉં.
તને મળીને, આપણાં એ પ્રથમ રાત્રીનાં મિલનની પ્રેમની સોગાત આપવાં માંગતી હતી હું, જે મારાં ઉદરમાં ધડકી રહી છે. ને એ પ્યારી સોગાત.. આ પત્ર તારી પર મૂકતાં જ તારા બેજાન હૃદયમાં પણ, પળભર માટે જરુર ધબકી જશે, જાણું છું એટલું..
ચાલ હવે અહીં વિરમી, હું વિરામ કરવાં જાવ.. કેમકે, હવે તો સ્વપ્નમાં જ આપણું મિલન થશે હંમેશા.. ખરું ને..?!
લી. તારા મૌન મિલનને ઝંખતી તારી પ્રિયતમા શ્રી.
ભીનાં છતાં ગૌરવાંતીત નયને અને ધ્રુજતા હાથે તેણીએ એનાં શહીદ પતિનાં દર્શન કરી વહાલથી એનાં હાથમાં પત્ર મૂક્યો ને મુઠ્ઠી વાળી દીધી, કે જેથી પત્ર પડી ના જાય. જવાનની ભીંસ પત્ર પર એકદમ તીવ્ર થઈ, જે તેણે અનુભવ્યું કે પછી ભ્રમ થયો..!
✍️ જયશ્રી બોરીચા વાજા
‘લાવણ્યા’