આ સંસાર રમત છે

બે મત નથી એક જ મત છે,
આ સંસાર રમત છે.
જૂઠો જીતે ને સાચો હારે,
એવી બાજી જેનું નામ જગત છે.
આ સંસાર રમત છે.
ગોઠવાઇ ગઇ બાજીમાંથી
વિધ વિધ રંગની ગોટી
કોઇ જીતેને થાય તવંગર,
કોઇ પહેરે લંગોટી
હો… હારે તોયે બમણું રમતાં,
કેવો બુરો મમત છે.
આ સંસાર રમત છે.
કાળવીંઝણે ઊડી જશે આ
ગંજિફાનું ઘર,
ચાર દિવસના ચાંદરણાની
કેવી અવરજવર
હો… એ જ જીતે સંસારનો ગઢને
જેણે જીત્યો વખત છે.
આ સંસાર રમત છે.
રોજ સૂરજનો દિવો સળગે
સાંજ પડે બુઝાય,
પણ પ્રંપંચ કેરો ખેલ ના ખૂટે
રમત પૂરી ના થાય
હો.. તન સમજે પણ મન ના સમજે
મન એવું મર્કટ છે.
આ સંસાર રમત છે.
Suresh vadher