હું મોટા ભાગે દિનવિશેષ લખું એટલે ર.પા. નો આ શેર ટાંક્યો એ વાંચીને જો કોઈને એમ થાય કે આજે નક્કી “વિશ્વ ચકલી દિવસ” હોવો જોઈએ તો તમે એકદમ સાચું અનુમાન લગાવ્યું છે. ચકલીઓની જાતિ જે રીતે લુપ્ત થઇ રહી છે એનાં સંરક્ષણ માટે ૨૦ માર્ચે “વિશ્વ ચકલી દિવસ” હકીકતમાં ઉજવાય છે. હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાનાં આરે છે. આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતયીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી.

વર્ષ ૨૦૧૦માં વિશ્વમાં જુદાં-જુદાં ભાગોમાં પહેલો “વિશ્વ ચકલી દિવસ” ઉજવવામાં આવ્યો હતો. જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, મકાનો અને બગીચાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવા પાછળ મહદંશે જવાબદાર છે. ઉપરાંત મોબાઇલ અને ટી.વી ટાવરનાં રેડિએશન પણ ચકલીઓનાં મોતનું કારણ બની રહ્યા છે. આ ચિંતાજનક બાબત તો છે જ અને એને લગતાં પ્રયત્નો પણ થઇ જ રહ્યા છે અને આશા રાખું કે આપણે સહુ પણ આ વિશે આપણાથી બનતું યોગદાન આપીયે.
જો કે આજે મારે કઈંક અલગ જ વાત કરવી છે. આજે તો મારે ફોટોમાં મૂકેલાં આ અનુપમ દ્રશ્યોને બસ મન ભરીને માણવું છે. હા ! આ મારી ચકલીઓ, કાબરો અને કબુતરો કંઈ પહેલી વાર આવ્યા છે એવુંય નથી હો..!! આ તો રોજનો ક્રમ છે પણ ગઈ કાલે તો એક ચકલીએ ભારે કરી એટલે વળી મને થયું કે આ રસપ્રદ પ્રસંગ આપ સહુ સાથે શેર કરું.
રવિવાર હોય એટલે આખા અઠવાડિયાનો થાક ભેગો થયો હોય એટલે રવિવારની સવારે તો મોટા ભાગે આરામથી ઉઠવાનું બને. પણ ગઈ કાલે એક ચકલી મારા બેકયાર્ડમાંથી છેક અંદર રસોડામાં આવી ગઈ અને રોજ કરતાં ચોખા નાખવામાં થોડું મોડું થયું એમાં તો એણે શોર બકોર કરી મુક્યો ને ઉડાઉડ કરી મૂકી રસોડામાં. એમાં પાછું બન્યું એવું કે જાળી ભૂલમાં બંધ થઇ ગઈ હશે. હવે ચકલી મુંજાણી બરાબરની કેમકે એને થયું કે આ હું ક્યાં ફસાઈ ગઈ ??
છેક મારાં હોલ સુધી જઈ આવી પણ ત્યાંય જાળી બંધ હતી. થોડી વાર આમતેમ પ્રયત્ન કર્યો પછી થાકીને સોફા પર બેસી ગઈ. એને તો બહાર નીકળવાનો રસ્તો પણ સૂઝે નહિ. વળી હોલમાંથી રસોડામાં આવી. રસોડામાં થોડી વાર તો એણે બહુ ભારે કરી. રસોડામાં વાસણ ધોઈને ઊંધા પાડવા માટે એક છાબ જેવું રાખ્યું હોય એની નીચે જઈને ભરાણી અને હવે મારો શ્વાસ ખરેખર અધ્ધર કેમકે એની નીચે એક મોટું ધારદાર ચપ્પુ પડ્યું હતું.
હવે જો એ જરાં સરખી પણ હલે કે આઘીપાછી થાય અને રખે’ને એ ચાકુની ધાર એને જરા સરખી પણ વાગે તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકું. મારો જીવ તાળવે ચોંટી ગયો કે પહેલાં ગમે તેમ કરીને હળવેકથી ચાકુ સરકાવી લઉં. હું જરાક નજીક જાઉં ત્યાં તો વળી આઘીપાછી થાય એટલે માંડ માંડ બિલ્લી પગે પહેલાં તો મેં એ ધારદાર ચાકુ સરકાવી લીધું.
મારે જાળી ખોલવા પણ કેમ જવું જેથી એ બહાર ઉડી શકે. અમે બધાય મુંજાયા, એ અમને જાળી સુધી પહોંચવા જ ન દે. પોતે પણ હાંફળી ફાંફળી થઇ અને અમારોય જીવ અધ્ધર કરી દીધો. માંડ-માંડ મેં હિમંત ભેગી કરી અને જાળી ખોલી તો આપી પણ એ ચકલીને પણ થોડી વાર રહીને સમજાયું કે અહીંયાથી હું બહાર ઉડી શકું છું. ભારે અઘરું થઇ પડ્યું થોડી વાર તો, પણ પછી એને રસ્તો દેખાયો અને બહાર ઉડી ગઈ.
અમને બધાને પણ મનમાં હાશ થઇ. આ બધામાં મને એક વાત સમજાઈ કે કેવું નિર્દોષ પક્ષી..!! મારે ચોખા નાખવામાં જરા મોડું થયું તો હકથી રસોડામાં આવીને જાણે મને કહેતી ન હોય કે અમારો સવારનો નાસ્તો ક્યાં ? ખરેખર જાણે સવાર-સવારમાં બાળક એની મમ્મી પાસે નાસ્તો માંગે એવા જ હકથી એ છેક અંદર રસોડામાં આવી ગઈ. મને થયું કે આ નાની અમથી ચકલીને કેટલો વિશ્વાસ મારાં પર..!! અને એટલું જ નહિ મારા બેકયાર્ડની દીવાલ પર બધી જ ચકલીઓ લાઈન લગાવીને રાહ જોતી બેઠી હતી. ભરતભાઈ ગઢવી કહે છે ને કે,
આતો ભોળપણ છે આ નિર્દોષ પક્ષીઓનું,
બાકી બીજાનાં ઘરમાં કોણ રહેવા જાય છે?
મેં ઝટઝટ પગ ઉપાડ્યા અને સૌથી પહેલાં એમનાં ચોખા ને રોટલીનો ચૂરો કરી એમની રોજની ખાવાની જગ્યા પર મુકી આવી અને ચોખ્ખુ પાણી પણ ભર્યું એટલે નિરાંતે બધા એ ખાવાનું ચાલુ કર્યું. મેં કેટલીય વાર સુધી આ મનોહર દ્રશ્ય જોયાં કર્યું. મારા બેકયાર્ડમાં તો આ રોજનો ક્રમ છે પણ મને એમ થયું કે કેટલી યંત્રવત લાઈફ થઇ ગઈ છે આપણાં બધાની. આવું અનુપમ દ્રશ્ય રોજ મારાં ઘરનાં બેકયાર્ડમાં સર્જાય છે પણ આપણી પાસે ખરેખર એને માણવાનો સમય છે ખરાં ??
એટલામાં મને બેઠેલી જોઈ મારી દીકરી શાન્વી મારી બાજુમાં ગોઠવાઈ ગઈ કેમકે એને તો આ બધું જોવું ખુબ ગમે. એટલાં બધાં પ્રશ્નો પૂછે અને મને પણ મજા પડે એને આ બધું સમજાવવામાં. એણે તો ગિજુભાઈ બધેકાનું ગીત પણ ગાવાં માંડ્યું અને પાછું ચકલી, કાબર અને કબૂતર જ હતાં એટલે વળી આખા ગીતમાંથી એમના પૂરતી જ લાઇન્સ હો..!!
આવો પારેવા, આવોને ચકલાં
ચોકમાં દાણા નાખ્યા છે.
આવો કાબરબાઈ, કલબલ ન કરશો
ચોકમાં દાણા નાખ્યા છે.
વળી પાછી કાબર ને કબૂતર ઉડી ગયા ને ચકલીઓ રહી તો પાછું વળી એને આ ગીત યાદ આવ્યું.
ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?
બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીંછા
આપીશ તને હું આપીશ તને…!!
દોસ્તો, ખરેખર કહું છું તમારાં બાળકોને કુદરતનાં ખોળે રમવાં દેજો. એમને આ ભોળાભાળાં નિર્દોષ પશુ પક્ષીઓ સાથે મૈત્રી કેળવવાં દેજો. એમને સમજાવજો કે પક્ષીઓ કે પ્રાણીઓ ઝૂ માં જઈ ને જોવાં લાયક નથી પણ આમ કુદરતનાં ખોળે કલબલાટ કરતાં હોય કે તમારાં ઘર આંગણે શોર બકોર કરતાં હોય ત્યારે જોવાં ને માણવાં લાયક છે.
સ્વતંત્રતાં પર જેટલો હક આપણો છે એટલો જ એમનો પણ છે. માત્ર ગરમીનાં દિવસોમાં જ નહિ પણ બારેમાસ એમનાં માટે અનાજ પાણીની વ્યવસ્થા જરૂર કરજો. તમારાં મનને એક અદભુત શાંતિ ન મળે તો કહેજો. બધા જ સાથે મળીને સહિયારો પ્રયત્ન કરીશું તો કદાચ આપણાં બાળકોને ફોટોમાં બતાવવાની જરૂર નહિ પડે કે પક્ષીઓ કે પ્રાણીઓ આવા દેખાતાં હતાં.
આપણા સ્વભાવની વિસંગતાએ આપણને સ્વાર્થી બનાવી દીધા છે. એક વખત હતો કે સુરજનાં પ્રથમ કિરણો સાથે આપણને ચકલીઓનું ચીં ચીં કે કોયલનાં મધુર ટહુકાઓ કે એમનાં કેકારવ સંભળાતાં અને હવે અલાર્મનાં કૃત્રિમ ઘોંઘાટથી જાગીયે છીએ. કવિ ગૌરાંગ ઠાકરની હૃદય સોંસરવી ઉતરી જાય એવી વેધક પંક્તિઓ યાદ આવે છે,
આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછું ઝાડ થાય નહિ??
મને એ વાતની ખુશી છે કે હું ખરેખર ચકલીઓ આંખ સામે ચણતી હોય અને હું મારી દીકરી ને ‘એક હતી ચકી ને એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો’ આ વાર્તા કહેતી હોઉં ત્યારે એટલા જ રસથી એ સાંભળે પણ છે. એ જોવે છે કે કેવી રીતે ચકલી એની ચાંચમાં ચોખા ભરી એનાં બાળકોને ખવડાવે છે. ક્યાંક એવું ન થાય કે તમે જયારે આ વાર્તા કહેવાં બેસો ત્યારે તમારાં બાળકો એમ પૂછે કે મમ્મી આ ચકી ને ચકો કોણ હતાં??
– વૈભવી જોશી (એક કાળા માથાનો માનવી જે સમગ્ર માનવજાત સહીત અન્ય તમામ જાતિઓ જે લુપ્ત થઇ ગઈ અને થઇ રહી છે એનો ખરો ગુનેહગાર)