આ રચના કોની છે તે ખબર નથી પણ જેની પણ છે તેણે લાગણી નો નિચોડ કર્યો છે..🙏

બા જુદી અને બા નો પાલવ જુદો….
મર્મ જાણો તો મજાની વાત…
સાચું તો બા ની ઓળખાણ થઈ અને
નવ મહિના પછી એના પાલવની ઓળખાણ થઈ.
દુધ પીવડાવતી વખતે એણે પાલવ મારા પર ઢાંકયો અને હું આશ્વસ્ત થયો….
ત્યારથી જ એ ખૂબ જ નજીકનો લાગવા લાગ્યો…
અને પછી એ મળતો જ રહ્યો ….
પુરા આયખા સુધી…
નિશાળ ના પહેલા દિવસે એ રૂમાલ થયો,
ઉનાળા માં એ ટોપી થયો,
વરસાદમાં પલળીને આવતા એ ટુવાલ થયો,
ઉતાવળે ખાઈને રમવા માટે ભાગતી વખતે નેપકીન થયો,
મુસાફરીમાં એ ક્યારેક શાલ થયો…
બજારમાં ભરચક ગીરદીમાં બા ક્યારેક દેખાતી નહીં
પણ પાલવનો છેડો પકડીને હું બિનદાસ્ત ચાલતો રહેતો…
એ ગિરદી માં એ મારી દીવાદાંડી થયો.
ગરમ દૂધ રેડતી વખતે એ સાણસી થયો,
ઉનાળામાં લાઈટ જાય ત્યારે પંખો થયો.
પરિણામ ના દિવસે એ પાલવ મારી ઢાલ બનતો
બાપુજી ઘેર આવે ત્યારે,
ચા પાણી થયા પછી,
એ પાલવ જ રજુઆત કરતો….
છોટુનું પરિણામ આવ્યું છે…
સારા માર્ક્સ આવ્યા છે,
એક-બે વિષયમાં ઓછા છે,
પણ હવે ધ્યાન દઈને અભ્યાસ કરીશ એવું એણે કીધું પણ છે….
બાપુજીનું ખિજાવાનું શરૂ થતાં જ
હું પાલવની આડ માંથી જોતો રહેતો
હાથની મુઠ્ઠીમાં પાલવનો છેડો જોરથી પકડીને…. ! ! !
એ પાલવે જ મને શીખવાડ્યું
કયારે-શું અને કેવી રીતે બોલવુ.
તરુણવય માં જ્યારે આંગળીએ ઘટ્ટપણે પાલવ વીંટતો અને એના ખેંચાણથી ત્રીજીવાર બા પૂછતી ,
“કોણ છે એ છોકરી…. નામ શું છે ??”
ત્યારે શરમાઈને મોઢું ઢાંકવા પાલવ જ લેવો પડ્યો.
રાત્રે પાર્ટી કરીને આવીને…. દાદર પર પગરવ થતાં
બારણાનો અવાજ ન આવે એ રીતે….
પાલવથી જ બારણું ખોલીને
આકડીયા ફરતું કપડું એ જ પાલવ બનતો..
આકડીયા નો અવાજ બિલકુલ દબાવીને અને એ દબાયેલા અવાજે જ નૈતિકતાનું શિક્ષણ આપ્યું.
પાલવ પાસેથી શીખ્યો સહજતા
પાલવ પાસેથી શીખ્યો સૌજન્ય
પાલવ પાસેથી શીખ્યો સાત્વિકતા
પાલવ પાસેથી શીખ્યો સભ્યતા
પાલવ પાસેથી શીખ્યો સહિષ્ણુતા
પાલવ પાસેથી શીખ્યો સજાગતા
કાળની ગર્તા માં હશે કે આધુનિકતાના આંધળા અનુકરણની હરીફાઈ માં હશે
કે
પોતાની ખુદની શોધમાં જ હશે,
સાડી ગઈ… ડ્રેસ આવ્યા… ટોપ આવ્યા…. પેન્ટ આવ્યા… સ્કર્ટ આવ્યા.. એ..નાનો થતો ગયો….
પ્રશ્ન ડ્રેસ, ટોપ, પેન્ટ કે સ્કર્ટ માટે બિલકુલ નથી જ નથી….
પ્રશ્ન છે,
દૂર દૂર થતાં જતા ગાયબ થઈ ગયેલા પાલવ નો……!!!