જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેશ દુનિયા કે જીવનમાં જે કંઈ થાય છે તે ગ્રહદશાને આભારી છે એટલે કે સૃષ્ટિમાં આવતા પરિવર્તન કુદરતી ઘટનાઓ કે કુદરતી આપત્તિઓ તેમજ મનુષ્યજીવનમાં અનુભવાતી ચડતી-પડતી, હર્ષ-શોક કે સુખ-દુઃખ એ તમામ ગ્રહદશાને આભારી છે. મનુષ્યજીવનમાં અવિરત સર્જાતી ભિન્ન ભિન્ન પરિસ્થિતિ માટે પણ એક અગત્યનું જવાબદાર પરિબળ ગ્રહદશા છે એવું દૃઢપણે જ્યોતિષશાસ્ત્રનું માનવું છે. તેની સામે ભણેલા-ગણેલા શિક્ષિત બુદ્ધિશાળી લોકો અનુસાર ગ્રહો કોઈને નડતા નથી મનુષ્ય બધાને નડે છે. ગ્રહો તો બ્રહ્માંડમાં તેની રિધમ અને ગતિ અનુસાર વિચરતા રહે છે તે મનુષ્યસૃષ્ટિમાં હલચલ કેવી રીતે મચાવી શકે? મોટાભાગના શિક્ષિત લોકો માને છે કે ગ્રહદશાનો ડર ઊભો કરી જ્યોતિષીઓ પોતાની આજીવિકા ચલાવે છે. વાસ્તવમાં જ્યોતિષ કે ગ્રહો એટલુ પ્રભાવશાળી પરિબળ છે જ નહીં.
વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ તો સૂર્યમંડળમાંથી ઉત્ક્રાંતિ દરમ્યાન સમયાંતરે દરેક ગ્રહો છુટા પડ્યા એ રીતે પૃથ્વી સૂર્યમંડળનો એક ગ્રહ છે. એવી જ રીતે ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ જેવા અનેક ગ્રહો ગ્રહમાળામાં અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વી જો સૂર્યમાંથી છૂટી પડી હોય તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે એક પ્રકારનું ચોક્કસ જોડાણ કે કનેક્શન હોવું જોઈએ. પૃથ્વીમાં વસનાર મનુષ્ય પૃથ્વી સાથે જોડાયેલ હોય તે સ્વાભાવિક છે. આમ સૂરજનું અંગ પૃથ્વી અને પૃથ્વીનું અંગ મનુષ્ય અને સમગ્ર જીવસૃષ્ટિ એ દ્રષ્ટિએ ત્રણેમાં એક પ્રવાહિતા હોય, દરેક વચ્ચે સંવાદ હોય એ સમજી શકાય એવી વાત છે. વૈજ્ઞાનિક સંશોધનો જણાવે છે કે સૂર્યની હયાતીને કારણે જ જીવસૃષ્ટિ ટકી રહી છે કેમ કે સૂર્ય શક્તિનો સ્ત્રોત છે. જેમાંથી તમામ જીવસૃષ્ટિ ઊર્જા મેળવે છે. એ તો સર્વવિદિત છે કે સૂર્યની ગેરહાજરીમાં જીવસૃષ્ટિનું ટકવું અસંભવ છે. મનુષ્ય વિટામીન-ડી સૂર્યકિરણોમાંથી જ મેળવે છે. આપણી રોગપ્રતિકારક શક્તિનો આધાર પણ સૂર્યશક્તિ પર છે. એક સાધક વ્યક્તિ પંદર વર્ષ ખાધા વગર જીવેલા અને વૈજ્ઞાનિક સંશોધન પરથી જાણવા મળેલું કે તેઓ સૂર્યપ્રકાશ પર જીવી રહયા હતા. આપણી પાચનશક્તિ ચોમાસામાં કે જ્યારે સૂર્ય વાદળાને કારણે ઓછો દેખાય છે ત્યારે ઘટે છે એ દર્શાવે છે કે સૂર્ય જીવસૃષ્ટિને અસર કરે છે. આવા અનેક વૈજ્ઞાનિક અભ્યાસો સાબિત કરે છે કે સૂર્યની અસર જીવસૃષ્ટિ પર પડે છે જે એક ગ્રહ છે.
એ જ રીતે ચંદ્ર પણ એક ગ્રહ છે એની અસર પણ જીવસૃષ્ટિ પર પડે છે. વિજ્ઞાને નોંધ્યું છે કે ચંદ્રની કળા સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે છે. આપણે ચંદ્રની કળા અનુસાર દરિયામાં ભરતી અને ઓટ આવતી જોઈ છે. એનો અર્થ એ થયો કે ચંદ્ર સમુદ્રને અસર કરે છે. બનાવટ કે બંધારણની દ્રષ્ટિએ મનુષ્યશરીર અને સમુદ્રમાં સમાનતા જોવા મળે છે. બંનેમાં પાણી અને મીઠું (ક્ષાર -સોડિયમ) રહેલા છે. હવે જો ચંદ્ર સમુદ્રને અસર કરતો હોય તો મનુષ્યને કેમ અસર ન કરે? અનેક વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર પુનમને દિવસે પાગલપનના કેસો વધુ નોધાયા છે. ચંદ્ર મનુષ્યના મનને દિમાગને અસર કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર મનનો દેવતા છે, મનનો માલિક છે. મનની સ્થિતિ પર ચંદ્રની પ્રબળ અસર જોવા મળે છે. ૧૯૫૦માં જીયોજારજી જીઓડી એ કોસ્મિક કેમેસ્ટી નામનું વિજ્ઞાન શોધ્યું. જે અનુસાર સમગ્ર બ્રહ્માંડ એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજાથી અસર પામે છે. સૂર્ય પર પરિવર્તન સમગ્ર પૃથ્વીના જીવોને અસર કરે છે. બ્રહ્માંડનુ સૌથી રહસ્યમય તત્વ પાણી છે કેમ કે અંતરીક્ષની, નક્ષત્રોની, ગ્રહોની જે કોઈ અસર જીવસૃષ્ટિ પર પડે છે તે પાણીને આભારી છે. ગર્ભમા માતા અને બાળકનુ જોડાણ પાણીને લીધે જ છે. એક અભ્યાસ પ્રમાણે મોટાભાગની માછલી ઓટના દિવસોમાં ઈંડા મૂકે છે અને પંદર દિવસ પછી ભરતીના દિવસોમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે અને સાગરની લહેર તેમને અંદર પાણીમાં લઇ જાય છે. આજ સુધી એ ખબર નથી પડી કે માછલીને ભરતી અને ઓટની ખબર કેવી રીતે પડે છે? આ તમામ પાછળ ચંદ્રની સંવેદના જવાબદાર છે. માછલી ચંદ્રની સંવેદનાને ઓળખે છે. એ જ કારણ પક્ષીઓના સીઝન પ્રમાણે પ્રદેશ બદલવા પાછળ જવાબદાર છે. આમ ગ્રહો સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ પરથી જાપાનમાં એક ચકલી ધરતીકંપના ૨૪ કલાક પહેલા પ્રદેશ છોડી દે છે. આમ બ્રહ્માંડ પરનુ કોઈ જીવન isolated નથી. વાસ્તવમાં સમગ્ર બ્રહ્માંડમાં એક જ દિવ્યઉર્જા શક્તિ કે ચેતના વ્યાપેલી છે જે તમામ સજીવોને એક જ શક્તિથી બાંધે છે. એ દ્રષ્ટિએ જગતની તમામ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. સમગ્ર બ્રહ્માંડ એક યુનિટી છે. જેમાં એકના અસ્તિત્ત્વનો આધાર અન્ય પર રહેલો છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્ય અને ચંદ્રની ઉપર પ્રમાણેની અસર સમજ્યા પછી સ્વાભાવિક પ્રશ્ન થાય એ બંને ગ્રહો હોવા છતાં જો સમગ્ર જીવસૃષ્ટિને અસર કરતા હોય તો બીજા ગ્રહો પણ મનુષ્યને અસર કેમ ન કરી શકે? વ્યવહારિક દ્રષ્ટિએ ગ્રહોની અસરને સમજીએ તો એમ કહી શકાય કે ગ્રહોની ચાલ કે ગતિ મનુષ્યના મનને અસર કરે છે. જે દ્વારા તેના વિચારો પ્રભાવિત થાય છે. આપણા વિચારો દ્વારા જ આપણી વૃત્તિ, માન્યતા, સ્વભાવ ઘડાય છે મનુષ્યના વિચાર, સ્વભાવ, માન્યતા જો હકારાત્મક રહે તો જીવન સુખશાંતિસભર બની રહે અને જો વિચાર, માન્યતા, સ્વભાવ, વૃત્તિ વિઘાતક કે નેગેટિવ બને તો જીવન અતિશય પીડામય અસુરક્ષિત અને અસ્વસ્થ બની જાય. જન્મકુંડળી એ ખરેખર તો સંચિત કર્મો અને તેના દ્વારા નક્કી થયેલા પ્રારબ્ધફળનો નકશો છે. જન્મ સમયે આકાશમાં ગોઠવાયેલા ગ્રહો આખા જીવનનો એક માર્ગ નક્કી કરી આપે છે અને માનવીએ એ માર્ગે ચાલવું પડે છે. ગ્રહો જ જીવનમાં સંજોગો પેદા કરે છે. ગ્રહો જ માનવીના મનમાં આંદોલનો ઊભા કરે છે તેમ જ સાચા-ખોટા નિર્ણયો લેવા પ્રેરે છે. ગ્રહો વાસ્તવમાં મનુષ્યના મન, વિચાર, બુદ્ધિ અને નિર્ણયશક્તિ પર અસર કરે છે. જ્યારે વિચાર સ્વાર્થી વિઘાતક અને હાનિકારક બને તેમ જ બુદ્ધિ અયોગ્ય નિર્ણય લેવા મજબૂર કરે ત્યારે જીવનમાં ઉથલપાથલ ન મચે તો બીજું શું થાય.
ગુરુ ગ્રહને બુધ્ધિ જ્ઞાન વિદ્યા કે સમજણનો દેવતા કે માલિક માનવામાં આવે છે. ગુરુનું ચોક્કસ નક્ષત્ર કે રાશિમાં ભ્રમણ વ્યક્તિને શિક્ષણ વાંચન કે જ્ઞાનપ્રાપ્તિ તરફ અગ્રેસર કરે છે. એટલે સ્વાભાવિક રીતે મનુષ્યને કંઈક વિશેષ જાણવાની શીખવાની સમજવાની ઈચ્છા જાગૃત થાય. જેના દ્વારા પ્રાકૃતિક રીતે જ જીવન બદલાય છે. આ ગુરુની મનુષ્યજીવન પર અસર નહિ તો બીજું શું છે? જેમ કોઈ સારા વ્યક્તિના સંપર્કમાં આવવાથી કે સત્સંગથી જીવનપરિવર્તન કે વિચારપરિવર્તન સંભવે છે તેવી જ રીતે ગ્રહોની પોઝિટિવ અસરથી વિચાર વર્તન વાણી હકારાત્મક બને છે જે જીવનને ઉન્નત કરે છે. એવી જ રીતે મંગળગ્રહ એક વિદ્યુતપ્રવાહ છે, એક ફોર્સ છે, એક તાકાત છે જે મનુષ્યના હૃદયમાં પ્રગટે છે, જે વ્યક્તિને સંકલ્પબળ આપે છે. શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત આપે છે. અન્ય કોઈ તમારાથી આગળ નીકળી જાય તે મંગળના પ્રભાવમાં રહેલ માનવીને સ્વીકાર્ય હોતું નથી. આવા પ્રકારનું જો કોઈ મનુષ્યનું વ્યક્તિત્વ હોય તો તે દ્વારા ગ્રહોનો પ્રભાવ જાણી શકાય છે. ગ્રહોની સાચી ઓળખ વ્યક્તિના વ્યક્તિત્વમાં છુપાયેલ હોય છે કેમ કે દરેક ગ્રહની એક વિશિષ્ટતા કે લાક્ષણિકતા હોય છે અને એ અનુસાર જ મનુષ્યનું વ્યક્તિત્વ ઘડાય છે. શનિ સંકોચનો ગ્રહ છે, ખૂબ મંદ ગ્રહ છે જે વિલંબથી ફળ આપે છે. પ્રારબ્ધકર્મનો પોર્ટફોલિયો સંભાળનાર ગ્રહ શનિ છે. જે ન્યાયનો દેવતા છે, જે ભાગ્યવિધાતા ગ્રહ ગણાય છે. શનિ સમયનો કારક છે. જે સમયની કિંમત સમજે છે તેને શનિ સુખ પ્રદાન કરે છે તેમ જ મોક્ષની પરમિટ પણ આપે છે. ગુરુ અને શનિનો ઉમદા પ્રભાવ વ્યક્તિને હંમેશા ઈશ્વરાભિમુખ બનાવે છે જેથી મુક્તિ કે મોક્ષ સહજ બને છે. ગુરુ અને શનિ બળવાન હોય તેના માટે ભક્તિ-યોગ-કર્મ-જ્ઞાન વગેરે સરળ બને છે. તે વ્યક્તિને તત્વચિંતક કે અવતાર પણ બનાવી શકે છે. શનિ માનવીને શુદ્ધ ચરિત્ર આપે છે. બળવાન શનિ મનુષ્યને સંસારની અસારતા સમજાવે છે જેથી સાચું જ્ઞાન પેદા થાય છે અને માયામાંથી મુક્તિ મળે છે. હૃદયની ઉમદા સ્થિતિ શનિ દ્વારા ઉદભવે છે કેમકે શનિ એ વિવેક છે. શનિ વગરનો સૂર્ય મનુષ્યને ક્યારેક અભિમાની બનાવે છે. શનિ વગરનો ચંદ્ર વ્યક્તિને અતિ ચંચળ અને અસ્થિર બનાવે છે. શનિ વગરનો મંગળ મનુષ્યને બેફામ બનાવે છે. શનિ વગરનો શુક્ર મનુષ્યને લબાડ અને જુઠ્ઠો બનાવે છે. ટૂંકમાં શનિ સાચો સુકાન (કેપ્ટન) છે. જે તમામને સંભાળી લે છે. કારમાં જે કામ બ્રેક કરે છે એ જ કામ જીવનમાં શનિ કરે છે.
એવી જ રીતે જન્મોજન્મની પ્રક્રિયા પર રાહુની જબરજસ્ત પકડ છે. તમામ વાસના રાહુના પ્રબળ પ્રભાવમાં હોય છે. મન પર માયાની મોહજાળ પાથરી આત્માને વાસનાના બંધનમાં બાંધવાનું કાર્ય રાહુ કરે છે. એટલે જ કહેવાય છે કે રાહુ ગ્રહણમાં સૂર્ય અને ચંદ્રને પકડે છે. રાહુનો વાસ મુલાધાર ચક્રમાં છે કે જ્યાંથી વિષય વાસના ઉદ્ભવે છે. કુંડલીની શક્તિ જ્યાં સુધી સુષુપ્ત રહે ત્યાં સુધી રાહુનું સામ્રાજ્ય ચાલે છે. કેતુ ઉર્ધ્વદૃષ્ટિ પ્રદાન કરે છે તે મોક્ષવાદી ગ્રહ છે. કેતુનો વાસ મસ્તકમાં સહસ્ત્રર ચક્રમાં છે. રાહુ મોહનિંદ્રાનો ગ્રહ છે જ્યારે કેતુ જાગૃતિનો ગ્રહ છે. રાહુની મહાદશા ચાલતી હોય ત્યારે સક્ષમમાં સક્ષમ માનવી પણ માયાના મોહમાં ફસાઈ શકે છે કેમ કે તે સમયે તેની સાત્વિકતા ઘટે છે વિષયોનું આકર્ષણ વધે છે અને મન મૃગજળ પાછળ દોડવા માંડે છે. પરંતુ સમય બદલાતા રાહુની આવી માયા અદ્રશ્ય થઈ જાય છે અને મનુષ્યને સમજાઈ જાય છે કે તે મૃગજળ પાછળ દોડતો હતો. કહેવાય છે કે કેન્સર જેવા રોગોની ઉત્પત્તિ રાહુની દશા કે અંતરદશામાં જ ઉદ્ભવે છે. ટૂંકમાં રાહુ જન્મનું કારણ છે જ્યારે કેતુ મોક્ષનું કારણ છે. અનેક જન્મનો હિસાબ રાહુ રાખે છે. રાહુ જન્મોજન્મની સાંકળ છે. આ સાંકળ માત્ર કેતુ જ તોડી શકે છે.
શુક્રનો વિશષ્ટયોગ મનુષ્યને વફાદારીથી દૂર રાખી અતિશય કામી બનાવે છે. પત્ની સાથે વફાદાર ન રહી શકનાર પતિની કુંડળીનો શુક્ર તપાસવો પડે. જ્યાં જ્યાં દાદાગીરી અને ઝનૂન દેખાય ત્યાં સમજવું મંગળ-રાહુની હયાતી છે. જેનો રાહુ અશુભ હોય તેને હલકા પડોશી મળે જેથી જીવનમાં ઘર્ષણ સતત રહે. વળી રાહુ જીવનને દંભી બનાવે છે. નબળો રાહુ વૃદ્ધાવસ્થા પણ બગાડે છે. સંતાનસુખથી વંચિત રાખે છે. પાંચમે રાહુ જ્ઞાનના વિષયોમાં રસ પેદા કરે છે અને આપણે જાણીએ છીએ આવો રસ જ જીવનની દિશા નક્કી કરે છે. ટૂંકમાં ગ્રહો એ બીજું કાંઈ નહીં બ્રહ્માંડની પ્રકાશરૂપી કે કિરણોરૂપી શક્તિ ઉર્જા કે ચેતના છે. જે મનોવેદના, ઈચ્છા, વાસના, રસ, સંકલ્પ, એકાગ્રતા, કર્મ, મોહમાયા, નિર્ણયો વગેરે તમામ પર અસર કરે છે અને જીવનના સુખ દુઃખ નક્કી કરે છે. આમ ગ્રહો જ જીવનનું માર્ગદર્શન કરે છે, જીવનરાહ નક્કી કરે છે. જીવન પર ગ્રહોની પ્રબળ અસર છે એ વાતને નકારી શકાય નહીં એવું મારું દ્રઢ મંતવ્ય છે. માનવીના જન્મ સમયે આકાશમાં ગોઠવાયેલા ગ્રહો જે તે માનવીના સમગ્ર જીવન પર અસર પેદા કરે છે જેમ કે ચોક્કસ પ્રકારના ગ્રહો વ્યક્તિને માતૃભક્ત બનાવે છે. કોઈ ગમે તેટલી મહેનત કરે તેને માતૃપ્રેમની પકડમાંથી છોડાવી શકતો નથી. આવી વ્યક્તિઓને માતાના દોષમાં પણ ગુણદર્શન થાય છે. ઘણીવાર પત્નીની સાચી વાત પણ તેને ખોટી લાગે છે માત્ર માતા જ સાચી લાગે છે. એવી જ રીતે ચોક્કસ પ્રકારની ગ્રહદશા વ્યક્તિને સહનશીલ આજ્ઞાંકિત અને કુટુંબભાવનાથી સભર બનાવે છે. આમ મનુષ્ય કેવો છે કે કેવો બનશે તેનો મુખ્ય આધાર ગ્રહદશા પર છે.
માનવીના મનનો એ સ્વભાવ છે કે તે હંમેશા અપ્રાપ્ય વસ્તુ પાછળ ભાગે છે અને મન પર ગ્રહોની પ્રબળ અસર છે. દ્રષ્ટિદોષ (એટલે સાચાને ખોટું સમજવું અને ખોટાને સાચું સમજવું) મન દ્વારા જ કેળવાય છે. ગ્રહોની અસર જ મનને ચંચળ અશાંત બનાવે છે અને ગ્રહો જ ક્યારેક શાંત સ્થિર અને ધેર્યવાન બનાવે છે. ટૂંકમાં આખું જગત જે ગ્રહોના પ્રભાવમાં કે આંદોલનો પ્રમાણે ચાલે છે ત્યાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિત્વ મળે કે તે ગ્રહોના પ્રભાવમાં ન હોય. વિશ્વની કોઈ ઘટના એવી નથી જે ગ્રહોના પ્રભાવમાં ન હોય. જીવ માત્રને પોતાના પ્રારબ્ધ પ્રમાણે ફળ મળે તેનું નિયમન નવ ગ્રહો દ્વારા થાય છે. જેમ કે આત્મા સાથે સૂર્યનો સીધો સંબંધ છે જયારે ચંદ્રનો મન સાથે સીધો સંબંધ છે. જેથી આ બે ગ્રહો વિશેષ મહત્વના છે કેમકે મન ઈચ્છાનું મૂળ છે અને ઈચ્છા પ્રબળ થતાં વાસના બને છે. જે આત્મા સાથે સજડ રીતે ચોંટી જાય છે જે બીજા જન્મનું કારણ બને છે.
પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે. જેની પર ઘણા આંતરિક અને બાહ્ય પરિબળોની અસર જોવા મળે છે. એવું જ એક પરિબળ ગ્રહો છે. જેમ માણસો પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે તેવી રીતે ગ્રહો પણ પોસિટિવ અથવા નેગેટિવ હોઈ શકે. જેમ સત્પુરુષના સત્સંગથી જીવન ઉજ્જવળ નૈતિક અને ઉત્તમ બને તેવી જ રીતે દુર્જનના સંગથી જીવન અયોગ્ય વ્યસની અનૈતિક અને સ્વાર્થી બનતું હોય છે. આ જ પ્રકારની અસર ગ્રહોની ચાલથી મનુષ્યજીવન પર અવિરત પડતી રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાપગ્રહ કે આસુરીગ્રહની અસર જીવન કે સૃષ્ટિ પર દુર્જન માણસના સંગ જેવી પડતી હોય છે. પાપગ્રહો મનુષ્યના વિચારો અને નિર્ણય પર સખત નકારાત્મક અસર જન્માવતા હોય છે. જેમ કે કોઈક અયોગ્ય ગ્રહદશામાં ક્યારેક સગાસંબંધી ખોટા કે સ્વાર્થી લાગતા હોય છે જેથી ઘર્ષણ અને પીડા વધે છે પરંતુ ગ્રહદશા સુધરતા એ જ લોકો સારા લાગવા માંડે છે તેમની સાથેનું ઘર્ષણ અને સંઘર્ષ અટકે છે, પરિસ્થિતિ સુધરે છે અને જીવન સરળ બની જાય છે. ટૂંકમાં વિચારો નેગેટિવ બને ત્યારે જીવનમાં અયોગ્ય નિર્ણય લેવાઈ જાય છે જેનું પરિણામ ભોગવવું પડે છે. ભાઈભાડું વચ્ચે મિલકતની વહેંચણી અંગે ક્યારેક અયોગ્ય નિર્ણય લેવાઈ જાય તો કોર્ટકેસ અને સંઘર્ષમાંથી પસાર થવું પડતું હોય છે. જે જીવનમાં કડવાશ ભરી દે છે અને સહન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આવી અનેક આપત્તિઓને આપણે પનોતી તરીકે ઓળખીએ છીએ. પનોતી એ બીજું કંઈ નહીં પરંતુ અયોગ્ય વિચારો, અયોગ્ય નિર્ણયો અને નેગેટિવ મનોદશા દ્વારા ઉદ્ભભવતિ કઠિન પરિસ્થિતિ છે. જે જીવનમાં અનેક મુશ્કેલીઓ સંઘર્ષો કે સમસ્યાઓનું સર્જન કરે છે. જે ભોગવે જ છૂટકો થાય છે.
જીવનની કે ગ્રહોની મહાનતા એ છે કે કોઈ પીડા કે સમસ્યાઓ આજીવન રહેતી નથી. પરિસ્થિતિ બદલાતા કે ગ્રહદશા બદલાતા બધું આપોઆપ શાંત થવા માંડે છે. મનુષ્યજીવન સ્વર્ગસમાન બનશે કે નર્કસમાન તેનો આધાર વ્યક્તિની મનોદશા અને નિર્ણયો પર છે. જેના પર ગ્રહોની પ્રબળ અસર થતી હોય છે કેમકે આપણે જે ગ્રહ પર જીવીએ છીએ તે ગ્રહ સૂર્યમાળાના અનેક ગ્રહો સાથે જોડાયેલો છે અને જોડાયેલા હોવાને કારણે એકબીજાથી પ્રભાવિત થાય એ તો સ્વાભાવિક છે. જેમ આપણે માતા-પિતા ભાઈ-બહેન પતિ-પત્ની જેવા અનેક સંબંધીઓ સાથે જોડાયેલા હોવાથી કુટુંબનો એક વ્યક્તિ પણ જો બીમાર પડે તો તેની અસર કુટુંબના દરેક સભ્યોના જીવન પર પડતી હોય છે. ઘરમાં એક વ્યક્તિ બીમાર પડતા અન્ય તમામ સભ્યો સ્વસ્થ હોવા છતાં દરેકને અસંખ્ય તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. વળી જો કુટુંબના એક સભ્યને સફળતા, પદ, સત્તા, ધન પ્રાપ્ત થાય તો તેનો લાભ આપોઆપ સમગ્ર કુટુંબને પ્રાપ્ત થાય છે. એ જ રીતે તમામ ગ્રહોની અસર પૃથ્વી સાથે જોડાયેલા હોવાને લીધે આપણને સતત અવિરત થતી રહે છે. મન માયાનું આશ્રયસ્થાન છે અને મન પર દરેક ગ્રહોની પ્રબળ અસર પડે છે. વળી મન જ મનુષ્યની જીવનરાહ નક્કી કરે છે. એ દ્રષ્ટિએ ગ્રહોને મનુષ્યની જીવનરાહ નક્કી કરતા અગત્યના પરિબળ તરીકે અવશ્ય જોઈ શકાય. બ્રહ્માંડમાં વિચરતા ગ્રહોના શક્તિકિરણો જીવ માત્ર પર પડતા આંદોલનો ઉદભવે છે. જે મન અને આત્માને અસર કરે છે. જેમ સ્વીચ ઓન ઓફ થતા મશીન કાર્યરત થાય છે તે રીતે ગ્રહદશા મનુષ્યને સક્રિય કે નિષ્ક્રિય બનાવે છે. ચોક્કસ પ્રકારની ગ્રહદશા જીવનને સુખસગવડથી ભરી દે છે અને વિશિષ્ટ ગ્રહદશા જીવનને પીડામય બનાવે છે. એવું કહેવાય છે કે સુખી થવા માટે કુંડળીના ચોથા સ્થાને કોઈ ગ્રહ ન હોવો જોઈએ. કુંડળીનો ચોથો ભાવ જીવનનો અંત કે ઘડપણ ગણાય છે. જેના દ્વારા વ્યક્તિની વૃદ્ધાવસ્થા કેવી જશે તે પણ જાણી શકાય છે. ગ્રહદશા કે જન્મકુંડળી અંતે તો આપણા સંચિત કર્મોનો નકશો જ છે. ઉત્તમ કર્મો દ્વારા આ નકશો આપણે બદલી પણ શકીએ છીએ. આ સિવાય ગ્રહદશાથી છૂટવાનો બીજો કોઈ વિકલ્પ નથી.
ગ્રહોનો યોગ્ય સૂક્ષ્મ અભ્યાસ અનિવાર્ય છે કે જેથી જીવનને શ્રેષ્ઠ બનાવી શકાય. જે ઉત્તમ કર્મ અને તપશ્ચર્યા દ્વારા જ એટલે કે યથાર્થ પુરુષાર્થ દ્વારા જ શક્ય છે એ તો સ્વીકારવું જ પડે. વરસાદ આવવાનો જો અંદાજ હોય કે તેની પૂર્વ જાણકારી હોય તો યથાર્થ પ્રયત્ન દ્વારા પલળવામાંથી કે માંદા પડવામાંથી બચી શકાય. બસ એ જ રોલ જીવનમાં ગ્રહદશાનો છે. પ્રારબ્ધ અને પુરુષાર્થની લડાઈ સદીઓથી ચાલતી આવી છે પરંતુ વાસ્તવમાં આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. સમગ્ર વિશ્વ ગ્રહોની લીલા સિવાય બીજું કાંઈ જ નથી. આપણે જે સમયે જે કંઈ વિચારીએ છીએ તે વિચાર પણ સંપૂર્ણપણે પોતાનો હોતો નથી કેમકે આપણું મગજ એક એન્ટીના છે જે ગ્રહોના મોજાને ઝીલે છે. જે આપણા દિલો દિમાગ પર છવાયેલા રહે છે અને એ અનુસાર મનુષ્ય કાર્યરત થાય છે. જે જીવનમાં ભિન્ન ભિન્ન પરિસ્થિતિ સર્જે છે જેના દ્વારા સુખ કે દુઃખ જન્મે છે જેનાથી કોઈ બચી શકતું નથી.
ગ્રહો મનુષ્ય જીવનને અસર કરે છે એ વાત ચિંતાજનક નથી. સવાલ છે માત્ર પીડાદાયક ગ્રહદશા વખતે મનોદશા સુધારવાનો અને ઉત્તમ કર્મો તરફ વળવાનો કેમકે ઉત્તમ કર્મો દ્વારા આપોઆપ મનોદશામાં પરિવર્તન આવતું હોય છે. જે પરિસ્થિતિને સહન કરવામાં અને પાર પાડવામાં સહાયક નીવડે છે. સત્કર્મો મનુષ્યને હકારાત્મક બનાવે છે જે દ્વારા વ્યક્તિના વિચારો અને નિર્ણયો સુધરે છે અને જીવન વધુ બહેતર બને છે. એટલા માટે જ શાસ્ત્રો ખરાબ ગ્રહદશા કે પનોતીના સમયે જપ તપ દાન પ્રાર્થના જેવા સત્કર્મો કરવાની સલાહ આપે છે. કેમ કે ખરાબ ગ્રહદશા વ્યક્તિની મનોદશાને નકારાત્મક બનાવે છે જે જીવનને સમસ્યાથી ભરી દે છે. એવા સમયે જો સત્કર્મો થાય તો વ્યક્તિની મનોદશા બદલાય, વિચારો હકારાત્મક બને, નિર્ણયની દિશા બદલાય અને જીવન સુધરે. જીવનની દિશા કે સુખ દુઃખ નક્કી કરતું પરિબળ માત્ર મનુષ્યનું મન છે. તમને કદાચ થશે કે જો ગ્રહોની આટલી પ્રબળ અસર થતી હોય તો દરેક પર એકસમાન થવી જોઈએ એવું કેમ નથી થતું. આ અંગે પણ એક વાત ઊંડાણપૂર્વક સમજવા જેવી છે કે જોડાણની દ્રષ્ટિએ ભલે બધા એક સરખી રીતે જોડાયેલા હોઈએ પરંતુ દરેક મનુષ્યનું state of mind કે મનોદશા જુદી જુદી હોય છે. એટલા માટે સજ્જન પોઝિટિવ દયાળુ પરોપકારી કે સાધુજીવન જીવતા માણસોને ગ્રહની અસર ન્યુનત્તમ થાય છે. પરંતુ રોગી મનોદશાવાળા અનૈતિક ભ્રષ્ટ નેગેટિવ અને દુર્જન મનુષ્યને ગ્રહદશા તીવ્રપણે અસર કરે છે. જેને આપણે તેના કર્મના ફળ તરીકે ઓળખીએ છીએ અથવા શનિ ન્યાયનો દેવતા હોવાને કારણે તેને શનિદેવે પનોતીમાં સજા આપી ન્યાય કર્યો એવું સમજીએ છીએ.
