🐀🐀🐀🐀🐀🐀🐀🐀🐀🐀🐀

અહીં મંદિરમાં કાબા મહારાજો કોઇ અગમ્ય અને અકળ શકિતના નિયંત્રણમાં હોય તેવું ઝીણી દ્રષ્ટીએ જોઇએ તો જણાય છે. આ ઉંદરો મંદિરના નિયત વિભાગમાં પોતાના ત્રણ ચાર વર્ગોમાં વહેંચાયેલા રહે છે. આ મંદીરના અમુક વર્ગના પુણ્યાત્મા ઉંદરો કરણીમાંના મુળ મંદિરના નિવાસી છે. તેઓ મુળ મંદિર તેમજ તે સિવાયના એમના નિર્ધારિત એરિયા બહાર જતાં આવતા નથી. આજ રીતે બીજા વર્ગના ઉંદરોનું આવડ મા વગેરે દેવસ્થાન તેમજ મંદિર પરિસર સુધી સીમાંકન આવે છે. આ સીમામાં આવતાં ઉંદર ક્યારેય પોતાની સીમા મુકી બીજી જગ્યાએ જતા નથી. તે રીતે’જ કરણી મુળ મંદિર પાછળ સ્ટોર રુમ તેમજ રસોડા અને ઉંદર ભવનના ઉંદરો પોતાની સીમા મર્યાદામાં જ જીવનયાપન કરે છે. આ એક અવિશ્વસનીય લાગતું રહસ્યમય કૌતુક છે. સામાન્ય રીતે ઉંદર એવુ જીવ છે જે જ્યાં ત્યાં ઉછળકૂદ કરતું ક્યાંનુ ક્યાં દોડતુ ફરતું હોય છે એના માટે સ્પેશિયલ એક પ્રશિક્ષિત પ્રબંધક વિભાગ રાખીએ તો પણ તેમનુ નિયંત્રણ ગળણીમાં પાણી ભરવા જેવું મુશ્કેલ છે, તો અહિંયા શું રહસ્ય છે જે આ એક ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ હજારો પાયદાનો પર મનુષ્ય સભ્યતાથી પછાત અને પાછળ એવા એક જીવને માણસ કરતા પણ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રાખે છે.
કરણી મંદિરના ધણા વણઉકેલ્યા રહસ્યો પૈકી આ એક મોટું રહસ્ય છે.
અમે માઇ ભક્તો તો એમના પર માતાજીની કૃર્પા અને મા કરણીનું નિયંત્રણ જ સમજીએ છીએ. અહીં હજારો ઉંદર ગણમા ક્યારેક જ સફેદ ઉંદરના દર્શન થાય છે એ પણ એક રહસ્ય છે. આટલી સંખ્યામાં ઉંદરો હોવા છતાં કોઇ દુર્ગંધ કે ગંદગી અહીં બિલકુલ અનુભવાતી નથી અને ખાસ તો સામાન્ય રીતે ઉંદર તેમના દાંતથી કોઈ પણ ખોરાકને કોતરીને ખાતા હોય છે પણ દેવિમાના આ દરબારના સર્વે ભુષક મહારાજો એક મનુષ્યની જેમ પુરા દાંતથી પોતાનો ભોજન આરોગે છે. બીજુ એક રહસ્ય એ પણ છે કે, આટલા ઉંદરો વચ્ચે અહીં કોઈ માંદુ કે ઘરડુ ઉંદર નજરે પડતું નથી તેમજ અહીં બધા ઉંદર એક જ આકારના નજરે પડે છે. વધારે ખાવાથી અહીં કોઈ ગોળમટોળ કે મોટો બનતો નથી અને આયુષ્ય વધવા છતાં કોઇ ઘરડુ દેખાતું નથી. આમ આ પાવન ઉંદરોની દુનિયામાં ડોકિયા કરતો કરતો હું ભગવતી કરણીમાની લીલાથી અચંભિત છું.
આ ઉંદરો મંદિર પરિસર બહાર જતા નથી, નહીતર આ મંદિરની લગોલગ સેંકડો મીઠાઈ-પ્રસાદની દુકાનો આવેલી છે. આ મંદિરના ઈતિહાસમા આવી કોઈ ધટના હજુ સુધી નથી બની કે મંદિરનો કોઇ ઉંદર આજુ બાજુની દુકાનોમાં ગયો હોય, આ પણ મોટુ આશ્ચર્ય છે! અહીં મંદિર બહાર કોઇ ઉંદર પગ પણ મુકતું નથી, જાણે મનુષ્યથી પણ સભ્ય હોય તેમ આ ઉંદરો માતાજીની આજ્ઞા પાલનમાં રહેતા જણાય છે.
એક ઉલેખનિમય ધટના… વરસો પહેલા ગુજરાતના સુરત શહેરમાં પ્લેગ નામનો રોગ ફાટ્યો અને આ રોગ ઉંદરોના કારણે જ લોકોમા આવ્યો હતો. ઉંદરોના કારણે લાખો લોકોમાં આ રોગનું સંક્રમણ થયું હોવાનુ બહાર આવ્યુ હતું. તે સમયે ઉંદરોથી દુર ભાગવાને બદલે પ્લેગના રોગીઓ અહીં દેશનોક આવીને અહીં વસતા ઉંદરોના એંઠા દુધ-પાણી પીને નીરોગી થયાની અને તંદુરસ્ત થવાની ધટનાઓ જે તે સમયે સામે આવી હતી. આ એક ચમત્કાર કહેવાય કે, જયાં આપણી બુધ્ધિ કામ ના આવે. જેમનામાં માત્ર ભાવ અને શ્રધ્ધા હોય તેઓ થોડુ ધણું આ રહસ્ય સમજી શકે.
લીલામયી કરણીમાની લીલા અમાપ છે. એનો તાગ પામવો મુશ્કેલ નહી પણ અશક્ય છે. માતાજીની કૃર્પાથી આપણે આગળ પણ કરણી માના આ મંદીર તેમજ તેમના જીવન ઝરમર, એમના કથામૃત પર વિગતે વાત કરીશું. કરુણામયી કરણી કૃર્પાથી મારી પદયાત્રા અહી સુખદ રીતે પુર્ણ થયેલ છે પણ હું આજ શીર્ષક સાથે હજુ થોડા અનુભવ અને ધટનાઓ અહીં લખવાનો પ્રયાસ કરીશ.
– દશરથદાન ગઢવી, થરાદ
(ક્રમશઃ)
તસ્વીર – દેશનોક કરણી મંદિરના કાબાઓ.