તમને યાદ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા કૃષિ બિલ સામેના પંજાબના કિસાનોના આંદોલનને સમેટવા માટે ધૂંટણિયાં ટેકવી દીધા હતા અને અચાનક આ બાબતની જાહેરાત કરી હતી! ખરેખર, મોદીનો આ સ્વભાવ નથી. કારણ કે, એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન) વખતે આપણે જોયું હતું કે, સરકારે આટ – આટલા વિરોધ પછી પણ નમતું જોખ્યું ન હતું. કિસાન આંદોલન વખતે સરકારને એવી ખુફિયા જાણકારી મળી હતી કે, કિસાન આંદોલનમાં ખાલિસ્તાનનની માગણી કરનારી તાકાતો ભળી રહી છે અને તેનું ફંડિંગ ફોરેનથી થઈ રહ્યું છે, એટલે સરકારે તાત્કાલિક કિસાન આંદોલનને સમેટવા માટે પારોઠના પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો. કિસાન આંદોલનને રોકવા માટે સરકાર નમી નોહતી, પણ દેશની સુરક્ષા, ખાસ કરીને પંજાબની સુરક્ષા જોખમાય નહીં એ માટે કૃષિ બિલ પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો હતો! તાજેતરમાં ‘વારિસ પંજાબ દે’ જૂથના વડા અને ખાલિસ્તાનના કટ્ટર સમર્થક અમૃતપાલ સિંહે ધારદાર લાંબી તલવારો, હાથમાં મોટી રાઈફલો સાથે હજારો સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો અને પોતાના સાગરીતને છોડાવી ગયો! આ ઘટનાએ દેશની સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ખાલિસ્તાનની ખુફિયા ચળવળ ફરી માથું ઊંચકી રહી છે! ગૃહમંત્રી અમિત શાહને ખુલ્લેઆમ ધમકી આપ્યા પછી સરકાર સામે સૌથી મોટો પડકાર બની રહી છે આ તાકતો. આ રહ્યા તેનાં અનેક સંકેતો.
———————————————————————-
ખાલિસ્તાન શબ્દ ફરી ચર્ચામાં છે. એક વ્યક્તિના કારણે. તેનું નામ અમૃતપાલ સિંહ છે. ‘વારિસ પંજાબ દે’ જૂથના વડા અને ખાલિસ્તાનના કટ્ટર સમર્થક. ગુરુવારે પંજાબના અમૃતસરમાં તેણે એવો હંગામો મચાવ્યો હતો, જે ભારત જેવા લોકતંત્રમાં ભાગ્યે જ જોવા મળે! અમૃતપાલ તેના હજારો સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો! ધારદાર લાંબી તલવારો, હાથમાં મોટી રાઈફલો! માહોલ એવો હતો કે કોઈપણ ડરી જાય. કાયદો અને વ્યવસ્થા, પોલીસ બધા જાણે અમૃતપાલની સામે ભીખ માગતા હોય, એવાં કંગાળ દેખાઈ રહ્યા હતા! પોલીસકર્મીઓને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, ઘણા પોલીસ જવાનોને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા! આ બધું કોના માટે કરવામાં આવ્યું હતું? માત્ર એટલા માટે કે અમૃતપાલનો એક સાથી લવપ્રીત ઊર્ફે તુફાન સિંહને પોલીસે પૂછપરછ માટે પકડ્યો હતો. તેની સામે અપહરણ અને મારપીટનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ આખી ઘટનાનો અંત શું હતો? એ જ જે અમૃતપાલ ઈચ્છતો હતો, તુફાનને કાયદો, વ્યવસ્થા અને પોલીસે ગભરાટમાં છોડી મૂકવો પડ્યો! પણ આ ઘટનાએ ભારત જેવા દેશ માટે એક ગંભીર ચેતવણી આપી દીધી હતી!
આ ઘટના પછી હવે હિંમત વધી ગઈ હતી, અમૃતપાલ સિંહે મીડિયા સામે આવીને મોટું નિવેદન આપ્યું હતું. તેણે દેશના ગૃહમંત્રી અમિત શાહને સીધી ધમકી આપી દીધી હતી. તેણે એમ પણ કહ્યું કે – ખાલિસ્તાનની માગ ચાલુ છે અને ક્યારેય સમાપ્ત થશે નહીં. આ ખુલ્લેઆમ આપવામાં આવેલા નિવેદનોથી એક વાત સ્પષ્ટપણે સમજાય ગઈ છે કે ખાલિસ્તાનના સમર્થકો તેમની માગ પર અડગ છે. અલબત્ત, આ એક જ ઘટના નથી બની, આ ઘટના પહેલા પણ તાજેતરના વર્ષોમાં આવી અસંખ્ય ઘટનાઓ બની છે, જે દેશને એવી ગર્ભિત ચેતવણી આપે છે કે ખાલિસ્તાન આંદોલન ફરી માથું ઊંચકી રહ્યું છે.
તાજેતરની આ ઘટનાઓ પર એક નજર નાખીએ તો પેટાળમાં જે અગ્નિ પ્રજ્વલિત થયો છે, તેના તરફ આપણને સંકેતો મળી રહ્યા છે. ફેબ્રુઆરીની જ વાત છે. શિવરાત્રીના દિવસે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના ગાયત્રી મંદિરમાં પાકિસ્તાનથી ફોન આવ્યો હતો. ફોન પર ધમકી આપી હતી. ફોન કરનારે મંદિર સમિતિના અધ્યક્ષને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનું કહ્યું હતું. ફોન કરનારે ધમકી આપી હતી કે ખાલિસ્તાન ઝિંદાબાદ બોલ્યા પછી જ મંદિરમાં શિવરાત્રી ઉજવવાની પરવાનગી આપવામાં આવશે!
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં ઘણા હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ આરોપ સીધા ખાલિસ્તાન તરફી આંદોલન સાથે જોડાયેલા લોકો પર લગાવવામાં આવ્યો હતો. 12 જાન્યુઆરી, 2023ના રોજ, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી 16 જાન્યુઆરીએ વિક્ટોરિયાના શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે 23 જાન્યુઆરીએ મેલબોર્નના ઇસ્કોન મંદિરમાં હંગામો થયો હતો.
જાન્યુઆરીમાં જ ઓસ્ટ્રેલિયાથી એક વીડિયો આવ્યો હતો. મેલબોર્ન સ્ક્વેરમાં ભારતનો ત્રિરંગો લઈને ફરવા બદલ કેટલાક લોકોને માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરો ખાલિસ્તાની સમર્થક હતા અને તેમના હાથમાં ‘ખાલિસ્તાન’નો ઝંડો પણ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાન સમર્થિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ 29 જાન્યુઆરીએ ખાલિસ્તાન માટે જનમત સંગ્રહ કરવાની જાહેરાત કરી હતી. ભારતીયોએ ત્રિરંગા માટે લોકમતનો વિરોધ કર્યો હતો. આ પછી જ લડાઈ શરૂ થઈ હતી. હુમલાખોરોએ ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા.
આવી તો અનેક ઘટનાઓ છેલ્લા દોઢ-બે વર્ષમાં વારંવાર સામે આવી છે. નવેમ્બર 2022ના રોજ અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીની હત્યા કરવામાં આવી હતી. સુધીર ખાલિસ્તાનના કટ્ટર વિરોધી હતા અને આ કારણે તે ઘણા વર્ષોથી ખાલિસ્તાનીઓના હિટ લિસ્ટમાં હતા. સૂરીના પરિવારે અમૃતપાલ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે ઘટનાના થોડા સમય બાદ હુમલાખોર સંદીપ સિંહની ધરપકડ કરી હતી. સંદીપની કારમાં ખાલિસ્તાનીઓના પોસ્ટર લાગેલા હતા. સૂરીની હત્યા કરતા પહેલા તે ઘણી વખત અમૃતપાલ સિંહને મળ્યો હતો. થોડા દિવસો બાદ કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર લખબીર સિંહ લંડાએ સુધીર સૂરીની હત્યાની જવાબદારી લીધી હતી. લંડાને ખાલિસ્તાની સમર્થક પણ માનવામાં આવે છે. પોલીસે પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા સામે પણ કેસ નોંધ્યો છે.
6 જૂન, 2022ની વાત છે. ખાલિસ્તાન સમર્થકો અમૃતસરના સુવર્ણ મંદિર સંકુલમાં એકઠા થયા. આ દિવસે તેમણે ઓપરેશન બ્લુ સ્ટારની 38મી વરસી મનાવી હતી. આ કાર્યક્રમમાં ખાલિસ્તાન તરફી નારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે જરનૈલ સિંહ ભિંડરાનવાલેના પોસ્ટર પણ લહેરાવવામાં આવ્યા હતા.
આવું આ પહેલી વખત બન્યું છે એવું નથી! અગાઉ 6 જૂન, 2020ના રોજ સુવર્ણ મંદિરમાં વરસી મનાવવામાં આવી હતી, જેમાં અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહે કહ્યું હતું કે – દરેક શીખ ખાલિસ્તાન ઈચ્છે છે. જો ભારત સરકાર ખાલિસ્તાન આપશે તો તેઓ લઈ જ લેશે.
ખાલિસ્તાન માટેનું આંદોલન ધીમે ધીમે ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે, તેની અનેક કડીઓ મળી રહી છે. 9 મે, 2022ની સાંજે પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં બ્લાસ્ટ થયો હતો. પંજાબ પોલીસે તેને નાનો ધડાકો ગણાવ્યો હતો. કારણ કે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ, પછી જાણવા મળ્યું કે આ હુમલો રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (આરપીજી)થી કરવામાં આવ્યો હતો. હવે આ હુમલો નાનો નહોતો રહ્યો. આરપીજી રોકેટ લોન્ચર વડે હુમલો કરવો એ કોઈ નાની વાત ન હતી. હુમલાના તાર વોન્ટેડ ગેંગસ્ટર હરવિંદર સિંહ ઊર્ફે રિંડા સાથે જોડાયેલા છે. વિસ્ફોટના સ્થળેથી રિંડાના એક સહયોગીનું મોબાઈલ લોકેશન મળી આવ્યું હતું. ‘રિંડા’ હાલમાં પાકિસ્તાનમાં રહે છે. તે ખાલિસ્તાન ચળવળનો મોટો સમર્થક છે.
આ પહેલા અમેરિકામાં બનેલી ઘટના પણ અનેક સંકેતો આપી ગઈ હતી. ડિસેમ્બર 2020માં અમેરિકાના વોશિંગ્ટનમાં શીખ સમુદાયના સેંકડો લોકોએ કાર રેલીનું આયોજન કર્યું હતું. ત્યારે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં વોશિંગ્ટન, ન્યુયોર્ક, ન્યુજર્સી અને પેન્સિલવેનિયાથી લોકો આવ્યા હતા. થોડા સમય પછી ખાલિસ્તાન તરફી યુવાનોએ શાંતિપૂર્ણ વિરોધ શરૂ કર્યો હતો. તેમની પાસે ખાલિસ્તાનના ઝંડા અને પોસ્ટર પણ હતા, જેના પર લખેલું હતું કે તેઓ ખાલિસ્તાન પ્રજાસત્તાકનું પ્રતિનિધિત્વ કરે છે. આરોપ છે કે આ લોકોએ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ પાસે મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું અને પ્રતિમા પર ખાલિસ્તાનનો ઝંડો લગાવ્યો હતો.
મતલબ કે એક-બે ઘટના હોય તો સમજ્યાં, પણ દેશમાં તો આવી ઘટનાઓ બની રહી છે, સાથે સાથે ભારતમાં ખાલિસ્તાનની માગણી સાથેની આગને પ્રજ્વલિત રાખવા માટે જે ફંડિંગ આવી રહ્યું છે, એ ક્યાંથી આવે છે તેના ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાં બનતી આ ઘટનાઓ પૂરાવા છે.
સપ્ટેમ્બર 2019માં પંજાબ પોલીસે ‘ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ’ નામના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. તરનતારનમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 5 એકે-47 રાઈફલ, 16 મેગેઝીન, કારતૂસના 472 રાઉન્ડ, ચાર ચીનની 30 બોરની પિસ્તોલ, 72 કારતૂસ અને 5 સેટેલાઇટ ફોન મળી આવ્યા હતા. આ ઉપરાંત અંદાજે 1 લાખની નકલી નોટો પણ જપ્ત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે 6 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર, 2019ની વચ્ચે આ તમામ કન્સાઈનમેન્ટ ડ્રોનની મદદથી પાકિસ્તાનથી ભારતમાં પંજાબ લઈ જવામાં આવ્યા હતા. પોલીસનું માનવું હતું કે તેનો ઉપયોગ 26/11 જેવો હુમલો કરવા માટે કરવામાં આવશે.
દેશમાં તો આવી અનેક ઘટનાઓ સામે આવી છે. દોઢ-બે વર્ષ નહીં, આમ તો પાંચ-છ વર્ષ પૂર્વે પણ આવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે, જે એવું કહેતી હોય કે ખાલિસ્તાન માટેની ચળવળ ખુફિયા રીતે ચાલી રહી છે. 27 નવેમ્બર, 2016ના રોજ સવારનો સમય હતો. પટિયાલાની નાભા જેલ પર અચાનક 10 સશસ્ત્ર હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ હુમલો જેલમાં બંધ ખાલિસ્તાની આતંકવાદી હરમિંદર સિંહ મિન્ટુને છોડાવવા માટે થયો હતો. હુમલામાં હરમિન્દરને છોડાવી પણ ગયા હતા. હરમિન્દરની સાથે વધુ 5 ગુંડાઓને પણ લઈ ગયા હતા. જોકે, પોલીસની ચપળતાને કારણે બીજા જ દિવસે મિન્ટુની ધરપકડ કરવામાં આવી હતી. મિન્ટુને દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી સવારે 3.30 વાગ્યે પકડવામાં આવ્યો હતો. તેણે પોતાના વાળ અને દાઢી કાપીને પોતાનો વેશ બદલી નાખ્યો હતો. મિન્ટુને વિદેશ મોકલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પણ એ પહેલા એ ઝડપાઇ ગયો હતો.
વર્ષ 2016માં જ પંજાબ પોલીસે એક મોટા આતંકી ષડયંત્રનો ખુલાસો કર્યો હતો. પંજાબની કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમે ‘ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ’ (કેઝેડએફ)ના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બે પિસ્તોલ અને 16 કારતૂસ મળી આવ્યા હતા. પાકિસ્તાનમાં બેઠેલા પંજાબના આતંકવાદીઓએ તેને મોટી ઘટનાને અંજામ આપવાની જવાબદારી સોંપી હતી. પૂછપરછ દરમિયાન આતંકીઓએ જણાવ્યું હતું કે – તેઓ બેલ્જિયમમાં બેઠેલા ‘ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ’ના જગદીશ સિંહ ઊર્ફે ભૂરા, ઈંગ્લેન્ડમાં બેઠેલા કુલદીપ સિંહ કીપા અને જસબીર સિંહ ઊર્ફે જસ્સીના સંપર્કમાં હતા. કીપા સિંહે એક મોટી યોજના બનાવી હતી, જેથી ખાલિસ્તાન ચળવળ ભારતમાં ફરી માથું ઊંચકી શકે. એક પછી એક ઘણા મોટા નેતાઓને મારી નાખવાનો આ પ્લાન હતો. આ નેતાઓમાં પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ, તેમના પુત્ર સુખબીર સિંહ અને ભાજપના કેટલાક નેતાઓના નામ સામેલ હતા. અલબત્ત, હવે ભારત સરકાર કુલદીપ સિંહ કીપાના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે.
માહોલ એવો દેખાઈ રહ્યો છે કે, વહેલીતકે ભારત સરકાર કડકહાથે કામ નહીં લે તો ખાલિસ્તાનની આ ખુફિયા ગતિવિધિઓ ફરી પંજાબને તો સળગાવશે, તેની જ્વાળાઓ દિલ્હીને પણ લાગશે.
