હિન્દુ સંસ્કૃતિમાં આપણે બાળપણથી વડીલોના મુખે શિવજીના ત્રીજા નેત્રની કથા સાંભળતા આવ્યા છીએ કે શિવ જ્યારે કોપાયમાન થાય ત્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે અને સર્વસ્વ ભસ્મ થઈ જાય છે. બચપણમાં તો હું ત્રીજા નેત્રથી ખૂબ ડરતી, આપણી સંસ્કૃતિમાં બાળકોમાં ઇશ્વરનો ડર પેદા કરી તેમને અનૈતિક કાર્યો કે પાપોથી (દુર્ગુણોથી) દૂર રાખવાની કદાચ આ વ્યવસ્થા હશે. પરંતુ હવે જ્યારે આ ઉંમરે આધ્યાત્મિક સમજણ ઈશ્વર કૃપાથી થોડી કેળવાઈ છે ત્યારે સમજાય છે કે ત્રીજું નેત્ર વાસ્તવમાં છે શું અને તે કોણ મેળવી શકે અથવા તો તે કેવી રીતે મેળવી શકાય. ત્રીજા નેત્રની પ્રાપ્તિ માટે અધિકાર સિદ્ધ ચોક્કસ કરવો પડે પરંતુ તે પ્રાપ્ત દરેક મનુષ્ય કરી શકે, જો મનુષ્ય યથાર્થ રીતે ત્રીજા નેત્રની વિભાવનાને સમજે. મનુષ્યને જન્મજાત પ્રાપ્ય બે ચર્મચક્ષુઓ માત્ર વ્યક્તિના સ્થૂળ સ્વરૂપને જોઈ શકે છે. પરંતુ તેના અંતર્ભાવને જોઈ શકતા નથી એટલે કે વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે, તે શું વિચારી રહ્યો છે, કેમ આવું વિચારી રહ્યો છે, તેના વિચારોની દિશા અને અવસ્થા શું છે વગેરે જેવી સૂક્ષ્મ બાબતોનું દર્શન માત્ર ત્રીજા નેત્ર દ્વારા જ થઈ શકે છે.
વ્યક્ત પર્યાયોનું જગત ખૂબ નાનું છે પરંતુ અવ્યક્ત પર્યાયોનું જગત ખૂબ વિશાળ છે. અવ્યક્તનુ દર્શન આપણા સ્થૂળ ચર્મચક્ષુઓ દ્વારા અસંભવ છે. ૨૧મી સદીના અતિ આધુનિક સંશોધનો અને ટેકનોલોજીના અદ્યતન વિકાસ બાદ પણ આજે અવકાશ સંશોધનમાં વ્યસ્ત કુશળ અને નિષ્ણાંત વૈજ્ઞાનિકો જણાવે છે કે બ્રહ્માંડની ૭૦ ટકા ઉર્જાની જાણકારી આજે પણ વિજ્ઞાન મેળવી શક્યું નથી જેને તેઓ “ડાર્ક મેટર” તરીકે ઓળખે છે. આમ આજના અત્યંત આધુનિક વૈજ્ઞાનિકયુગમાં કે જ્યાં મનુષ્ય ચાંદ પર પહોંચી ગયો છે છતાં સમગ્રની માત્ર 30% માહિતી કે ઊર્જા વિશે જ તે માહિતગાર છે. શૈક્ષણિક પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે હજુ પાસીંગ માર્ક્સ મેળવવા જેટલી લાયકાત પણ ધરાવતા નથી કેમ કે આપણું પાસિંગ સ્ટાન્ડર્ડ 35% થી 40% નું છે એટલે કે સો ટકાના પેપરમાંથી 35% માર્ક્સ ઓછામાં ઓછા આવે તો પાસ થવાય. હવે વિચારો જો બ્રહ્માંડના અસ્તિત્વમાં અવ્યક્ત જગત ૭૦ ટકા હોય તો ધર્મશાસ્ત્રો સાચું જ કહે છે કે વ્યક્ત જગત ખૂબ સૂક્ષ્મ છે જ્યારે અવ્યક્ત જગત અતિ વિશાળ અને આપણી જડ ઇન્દ્રિયોની પહોંચની બહાર છે. જેને જોવા સમજવા ઓળખવા ત્રીજા નેત્રની આવશ્યકતા છે કેમકે જ્યાં સુધી સૂક્ષ્મ કે અવ્યક્ત જગતને ન સમજી શકાય ત્યાં સુધી લીધેલા નિર્ણય યોગ્ય સાબિત થતા નથી, યથાર્થ પરિણામ આપી શકતા નથી અને લાભદાયક સાબિત થઇ શકતા નથી. જેમ કે 17મી સદી સુધી આપણે એમ માનતા હતા કે સૂર્ય ફરે છે (ઉગે છે અને આથમે છે) પરંતુ 17મી સદી બાદ ગેલેલીઓના સંશોધનોએ સાબિત કર્યું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે એનો અર્થ એ થયો કે ત્યાં સુધી આપણે લીધેલા તમામ નિર્ણયો ખોટા હતા. જ્યાં સુધી અવ્યક્ત જગત આપણી સમક્ષ વ્યક્ત રૂપે પ્રદર્શિત ન થાય ત્યાં સુધી આપણે યથાર્થ દર્શન કરી શકતા નથી અર્થાત થોડું અધૂરું કે અપૂર્ણ દર્શન જ કરી શકીએ છીએ.
જીવનમાં કોઈ પ્રકારની મિથ્યા દ્રષ્ટિ ના રહે, કોઈ દ્વંદ ન રહે, કશું જ સાચું કે ખોટું, રાગ-દ્વેષ, અનુકૂળતા પ્રતિકૂળતા, નિત્ય-અનિત્ય જેવા વિરોધાભાસ ન રહે ત્યારે ત્રીજું નેત્ર પ્રાપ્ત થયું કહેવાય. જે સત્ય આપણા બે ચર્મચક્ષુ વડે ન જોઈ શકાય તે અવ્યક્ત જગત ત્રીજા નેત્ર દ્વારા જોઈ શકાય છે પછી સમગ્ર જગત સમ્યક બની જાય છે. તમામ સંઘર્ષ અટકી જાય છે, જીવમાત્ર પર દયા ભાવ જાગે છે, દરેકમાં ઈશ્વરના દર્શન થવા માંડે છે, દરેક માટે નિસ્વાર્થ પ્રેમ જાગે છે, જીવનમાં કોઈ અપેક્ષા કે ફરિયાદ રહેતી નથી. વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિનું યથાર્થ દર્શન થઈ જાય છે. સામાન્ય રીતે આપણને યથાર્થ સમયે આવા યથાર્થ દર્શન થતાં જ નથી એટલે જે સાચું હોય તે ખોટું દેખાય છે અને ખોટું હોય તેને આપણે સાચું સમજી બેસીએ છીએ જેથી સમસ્યા સર્જાય છે. જેમ કે દરરોજ સૂર્ય ફરતો દેખાતો હોય તો પૃથ્વી ફરે છે એ કેવી રીતે સ્વીકારી શકાય. પરંતુ જ્યારે અવ્યક્ત વ્યક્ત બનીને સામે આવે ત્યારે દરેક દલીલો અને વિરોધ શમી જાય છે. સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. આને જ ત્રીજુ નેત્ર ખુલ્યું કહેવાય.
જીવનમાં ક્યારેક ને ક્યારેક દરેકનું ત્રીજું નેત્ર ખુલતુ જ હોય છે એટલે કે જીવનની કોઇ ક્ષણે તેને સચ્ચાઈ સમજાતી જ હોય છે, આત્મજ્ઞાન થતું જ હોય છે. પરંતુ તકલીફ એ વાતની છે કે તે યથાર્થ સમયે થતું નથી વળી એ ત્રીજું નેત્ર લાંબો સમય ખુલ્લું પણ રહેતું નથી એટલે કે પ્રાપ્ત બ્રહ્મજ્ઞાન લાંબુ ટકતું નથી. ત્રીજું નેત્ર કાયમી ખુલ્લું રહે અને સક્રિય બને તો જ જીવનનું યથાર્થ દર્શન અને સત્યનો સાક્ષાત્કાર અવિરત થઈ શકે, અજાણતા પણ ખોટા નિર્ણયો લેવાઈ ન જાય. આપણે આપણી બે આંખોથી આ સંસારને જોઈએ છીએ ત્યારે એક સત્ય લાગે છે બીજું અસત્ય, એક પ્રિય અને બીજું અપ્રિય, એક સ્વીકાર્ય બીજું અસ્વીકાર્ય. પરંતુ જ્યારે ત્રીજું નેત્ર ખુલે ત્યારે કંઈ જ પ્રિય-અપ્રિય, સત્ય-અસત્ય, સ્વીકાર્ય-અસ્વીકાર્ય રહેતું નથી. કેવળ દર્શન રહે છે, કેવળ પદાર્થ રહે છે, કેવળ પરિસ્થિતિ રહે છે જેને આધ્યાત્મિક જગત સાક્ષીભાવ કહે છે. ત્રીજી આંખ એ છે જે માત્ર સચ્ચાઈને જોવે છે. જે છે એને જ જોવે છે. કોઈ ભ્રમ કે મિથ્યાદ્રષ્ટિ રહેતી નથી. હા એ વાત જુદી છે કે સત્ય ક્યારેય વર્ણવી કે સમજાવી શકાતું નથી કેમ કે વાણીની એક મર્યાદા છે જેથી સત્ય સર્વથા અવાચ્ય જ રહે છે. જેને માત્ર અનુભવી શકાય છે, વર્ણવી શકાતું નથી કેમકે શબ્દો અને ભાષાની એક સીમા છે જ્યારે સત્ય અસીમિત છે. સત્યને વર્ણવું શબ્દોની ક્ષમતા બહારની વાત છે. સનાતન સત્ય હંમેશા મોટા ભાગના લોકો સમક્ષ અવ્યક્ત જ રહે છે કેમ કે સત્યના દર્શન માટે કે ત્રીજા નેત્રની પ્રાપ્તિ માટે વ્યક્તિએ પ્રથમ લાયક બનવું પડે છે કે અધિકાર સિદ્ધ કરવો પડે છે જેમ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે સ્કુલની પરીક્ષા પાસ કરવી પડે તેવી વાત છે.
ઉપરાંત એક બીજી વાત પણ સમજવા જેવી છે કે અન્યના નેત્ર દ્વારા આપણે ક્યારેય જોઈ શકીએ નહી. હા કોઈ પથદર્શન કરી શકે કે માર્ગદર્શન આપી શકે પરંતુ જોવાનું કામ તો વ્યક્તિએ પોતે જ કરવું પડતું હોય છે. એટલે તો ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બનેલા, અર્જુને પોતાનું સત્ય પોતે જ જોવું પડેલું. હા શ્રેષ્ઠ સારથીરૂપ કૃષ્ણના માર્ગદર્શન હેઠળ કોઈ પણ વ્યક્તિ ઝડપી લાયક બની શકે એ વાત તો સમજી શકાય એવી છે. એ જ કારણે વિરાટના દર્શન અર્જુન માટે શક્ય બનેલા. વાસ્તવમાં વિરાટ તો દરેક સમક્ષ વ્યક્ત જ રહે છે પરંતુ ત્રીજા નેત્રના અભાવમાં આપણે તેને જોઈ શકતા નથી. જેવું નેત્ર ખુલે એટલે અંધકાર દૂર થાય અને પ્રકાશ દેખાય કેમ કે પ્રકાશની હયાતિ તો હોય જ છે પરંતુ આંખો બંધ હોવાને કારણે તે દેખાતો નથી. વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે પરિસ્થિતિ પ્રત્યે જ્યાં સુધી ગમો-અણગમો છે ત્યાં સુધી કામ-ક્રોધ-લોભ સમાપ્ત થઈ જ ન શકે. જ્યારે કોઈની તરફ પ્રિયતા કે અપ્રિયતાની દ્રષ્ટિ ન રહે માત્ર હયાતિના ભાવ સાથે સચ્ચાઈના ભાવ સાથે દર્શન થાય એટલે તુરંત ત્રીજું નેત્ર ખુલી જાય. જ્યારે ત્રીજું નેત્ર ખુલે ત્યારે નજર સમક્ષથી કશું જ દૂર થવાનો પ્રશ્ન જ સમાપ્ત થઈ જાય કેમકે એકવાર કોઈ સત્ય આપણે જાણી લીધું પછી તે અદ્રશ્ય કે સમાપ્ત થાય કેવી રીતે. ઘણીવાર આપણીને કાળા વાદળો આકાશમાં દેખાય છે અને ક્યારેક દેખાતા બંધ થઈ જાય છે. પરંતુ તે સમાપ્ત થઈ જતા નથી. કેવળ થોડા સમય માટે અવ્યક્ત બની જાય છે. એ જ રીતે જન્મથી આત્મા વ્યક્ત બને છે અને મૃત્યુ દ્વારા થોડા સમય માટે આત્મા અવ્યસ્ત બની જાય છે. પરંતુ સમાપ્ત કશું જ થતું નથી કેમ કે અસ્તિત્વ સનાતન છે. સર્જન અને પ્રલય માત્ર વ્યક્ત અને અવ્યક્તની માયા છે.
વિજ્ઞાને પણ હવે તો માની લીધું છે કે વિશ્વમાં જેટલા તત્વ (આત્મા) છે એમાં એક પણ વધવાના કે ઘટવાના નથી. જેટલા છે એટલા જ રહેવાના છે કેમ કે શક્તિનો નાશ શક્ય જ નથી. એનું પરિવર્તન અવશ્ય થઈ શકે એટલે કે રૂપ બદલાતા આપણા માટે તે વ્યક્તમાંથી અવ્યક્ત બને તો ફરી પાછા ક્યારેક એ અવ્યક્તમાંથી વ્યક્ત પણ બની જાય. બસ આ “ધ્રુવતા” એટલે કે અમરતાની સમજ આપણામાં પ્રગટે એટલે ત્રીજુ નેત્ર ખોલ્યું કહેવાય. શાશ્વતની સાથે જોડાયા વિના પૂર્ણ સત્ય પકડમાં કદાપિ આવતું નથી અને શાશ્વતની સાથે જોડાવા માટે ત્રીજું નેત્ર આવશ્યક છે. જે અવ્યક્તરૂપે આપણી દરેક પાસે છે પરંતુ અજ્ઞાનવશ તેમજ કષાયોની માયાજાળમાં ફસાયેલા આપણે તેને ખોલી શકતા નથી. અંધારામાં સાથે ટોર્ચ હોવા છતાં તેને વાપરતા ન આવડે, શરુ કરતા ન આવડે તો ઉપયોગની અણાવડતમાં સતત ભટકતા રહેવાનું પ્રારબ્ધ નિર્માણ થવું તો સ્વાભાવિક છે. સત્યની વ્યાખ્યાનું સૌથી મોટું દ્વાર છે સૂક્ષ્મ પર્યાયોનું જગત એટલે કે અવ્યક્તનું જગત. જ્યાં સુધી નિશ્ચય અને વ્યવહાર બંનેનો સમન્વય નથી થતો, વ્યક્ત અને અવ્યક્તનો સમન્વય નથી થતો ત્યાં સુધી ત્રીજું નેત્ર ખૂલી શકતું નથી. ત્રીજું નેત્ર ખુલવાનો અર્થ માત્ર એટલો જ છે કે સ્થૂળ અને સૂક્ષ્મ, વ્યક્ત અને અવ્યક્ત બંને તરફથી આપણી દ્રષ્ટિનો વિકાસ થવો. જ્યારે વ્યવહારમાં આપણી સાથે કોઈ ખરાબ વર્તન કરે ત્યારે માત્ર આપણા એંગલથી વિચારવાને બદલે જો તેના એંગલથી પણ આપણે વિચારી શકીએ તો સામેની વ્યક્તિ પર ક્રોધ કદાચ ન આવે, સમસ્યા એટલી ગંભીર કદાચ ન બને અને બિનજરૂરી ઘર્ષણ ધ્રુણા ક્રોધથી બચી જવાય. આ પરિણામો છે ત્રીજા નેત્રના વિકાસના. ત્રીજા નેત્રની આધ્યાત્મિક કરતા વ્યવહારિક ઉપયોગીતા ઘણી મોટી છે કેમ કે એની હયાતિમાં વ્યવહારિક સંબંધો તેમજ સંસાર હર પળ સ્વર્ગ સમાન અનુભવાય. ત્રીજું નેત્ર ત્યારે જ ખુલે છે જ્યારે મનમાં જામેલો મેલ ધોવાઈ જાય અને કોઈના પર અણગમો ન રહે. ત્યારે મન દર્પણ જેવું સાફ અને નિર્મળ બને છે જેમાં સમગ્ર જગતનો સમાવેશ સહજતાથી થઈ જાય છે. કોઈની સાથે દુશ્મની રહેતી નથી.
યોગની ભાષામાં ત્રીજું નેત્ર એટલે આજ્ઞાચક્ર, જેના દ્વારા શિવે કામનું દહન કરેલું. જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ તો ખૂબ જ સ્વાભાવિક છે કેમકે જે વ્યક્તિની દૃષ્ટિ ખુલી ગઈ, સમ્યક્ બની ગઈ, જેને સત્ય સમજાઈ ગયું, તેનું મન ઇચ્છાઓ કામનાઓ તરફ ક્યારેય ફરી જઈ શકે જ નહીં કેમકે એ સમજી ગયો હોય કે આ કામનાઓ બીજું કાંઈ જ નહીં આગમાં ઘી નાખવા સમાન છે. જેથી કામનું દહન આપોઆપ થઈ જાય. (કામ એટલે માત્ર સેક્સ નહિ અનેક કામનાઓ) આમ પણ શરીરશાસ્ત્ર (મેડિકલ સાયન્સ) અનુસાર નાડીસંસ્થાન અને ગ્રંથિસંસ્થાનમાં ચાર નાડી અતિ મહત્વની છે. જેમાં પિચ્યુટરી ગ્રંથિ વિશેષ મહત્વપૂર્ણ છે જેને સાયન્સ “માસ્ટર ગ્લેન્ડ” તરીકે ઓળખે છે. આપણી તમામ પ્રવૃત્તિઓ પર તેનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. વાસ્તવમાં કામવાસના સ્ત્રી કે પુરુષને જોવાથી નથી જાગતી પરંતુ પીનીયલ ગ્લેડ અને પીચ્યુટરી ગ્રંથીનો સ્ત્રાવ નીચે ગોનાદ્રર્સ તરફ જવાથી જાગે છે. જે સ્ત્રાવ કામગ્રંથિને પ્રભાવિત કરે છે. થોડી જુદી રીતે કહીએ તો જ્યારે આપણું ભાવસંસ્થાન સક્રિય બને ત્યારે કામવાસના ઉભરાય છે. આપણા સૌનો અનુભવ છે કે માતા અને પ્રેમિકા બંન્નેના શરીર સરખા હોવા છતાં બંને માટે કામવાસના જાગતી નથી. એનો અર્થ એ થયો કે કામવાસના પાછળ શરીર નહિ ભાવનું પ્રાધાન્ય છે. જેનુ આજ્ઞાચક્ર કે ત્રીજું નેત્ર ખુલી જાય છે તેનું ભાવના પર નિયંત્રણ વધી જાય છે. તેને કામ સતાવી શકતો નથી જેથી એવું કહેવાય છે કે શિવે ત્રીજા નેત્ર દ્વારા કામદહન કર્યું. જે આપણે સૌ પણ ઊંડી સમજણ અને અભ્યાસ દ્વારા અવશ્ય કરી શકીએ.
તમામ જીવને પ્રભાવિત કરનાર કે આવેગી બનાવનાર ચાર કારણો છે ૧) ભાવનાઓ અર્થાત ભાવસંસ્થાન ૨) પૂર્વજન્મના કર્મો એટલે કર્મવિપાક ૩) ગ્રંથિ સ્ત્રાવ ૪) બાહ્ય નિમિત્ત. આ ચાર દ્વારા જ જીવનમાં અહંકાર, ભય, કામવાસના વગેરે પ્રવૃત્તિ થાય છે. પરંતુ પીનીયલ અને પીચ્યુટરી ગ્રંથિનું સ્થાન આજ્ઞાચક્રની સીમામાં અર્થાત ત્રીજા નેત્રની સીમામાં આવેલું હોવાથી આજ્ઞાચક્ર (ત્રીજા નેત્ર) પરના નિયંત્રણ દ્વારા આપોઆપ ગ્રંથિ, ભાવ, નિમિત્તો પર નિયંત્રણ શક્ય બને છે અને કામદહન સહજ થઈ જાય છે. આ છે ત્રીજા નેત્રની તાકાત જે પહેલેથી જ આપણને પ્રાપ્ય છે, જરૂર છે માત્ર તેને સમજી ઉપયોગ કરવાની. ધ્યાન, એકાગ્રતા, નિર્મલ ચિત્ત અને દ્રઢ સંકલ્પ દ્વારા ત્રીજું નેત્ર દરેક મનુષ્ય ખોલી શકે છે. જે માત્ર શિવ પાસે જ છે એવું નથી દરેક જીવ પાસે છે. તો આવો તેનો સમજણ સાથે ઉપયોગ કરતા શીખીએ. એક વાક્યમાં જો બધું જ કહી દેવું હોય તો એમ કહી શકાય કે અનેકાન્તની સમજણ એ જ ત્રીજું નેત્ર છે. અનેકાંત એટલે સાપેક્ષવાદ અને સહઅસ્તિત્વ કે સમન્વય એટલે દરેકને સ્વીકારવા અને દરેકને સાથે લઈને ચાલવાની સમજણ. જે આજના મેનેજમેન્ટની ભાષામાં win-win strategy (સર્વના વિજયની વ્યૂહરચના) તરીકે ઓળખાય છે. એક જીતે અને બીજો હારે તે વ્યૂહરચના (strategy) બરાબર નથી કેમ કે એ દ્વારા જ અરાજકતા, અસંતોષ, ઈર્ષા અને શત્રુતા પેદા થાય છે જેના કારણે ત્રીજું નેત્ર કાયમ માટે સુષુપ્ત બની જાય છે. બંને પક્ષ જીતે એ જ હરહંમેશ માટે યથાર્થ અને ઉત્તમ નીતિ છે, જે અનેકાન્તની નીતિ છે અને એ જ શિવનું ત્રીજું નેત્ર છે જેમાં સર્વનું કલ્યાણ સમાયેલું છે. શિવનો સંસ્કૃત શાબ્દિક અર્થ પણ થાય છે “કલ્યાણ” એટલા માટે શિવ પાસે ત્રીજું નેત્ર હોય એ તો સ્વાભાવિક જ છે. આપણે પણ જો કલ્યાણકારી બનીએ અને અનેકાંતની ભાવનાને સ્વીકારીએ તો અલભ્ય એવું ત્રીજું નેત્ર અવશ્ય મેળવી શકીએ. જે દ્વારા આપણી અને અન્ય સર્વેની જીંદગી અલભ્ય અને અમૂલ્ય બની જાય એમાં શંકાને કોઈ સ્થાન નથી. જો તમે જિંદગીને શ્રેષ્ઠ સુખી સંપન્ન સ્વસ્થ સુરક્ષિત સફળ બનવા ઈચ્છો છો તો ત્રીજા નેત્રને ઉઘાડવું અનિવાર્ય છે એટલું તો હું ચોક્કસ કહીશ.
