*આજનું પત્રકારત્વ*
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા
તા – ૭ જાન્યુઆરી ૨૦૨૪ ની સાંજે ,
જયંતીલાલ પટેલ લૉ કોલેજ, કાંદીવલી ખાતે એક પરિસંવાદનું આયોજન થયું. મુખ્ય વક્તા તરીકે ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના તંત્રી હિરેન મહેતા, ‘મુમ્બૈયા ગુજરાતી’ ના તંત્રી રાજેશ થાવાણી અને ન્યુઝ કન્ટિન્યૂસ ડોટ કોમના તંત્રી ડૉ મયુર પરીખ હતાં. એમની પાસેથી એમના અનુભવોનો નિચોડ કાઢી શકાય અને શ્રોતાઓને પૂરતી માહિતી મળી રહે એ રીતે પ્રશ્નો પુછવા માટે પ્રતિમા પંડ્યા અને જહાનવી પાલ હતા.
હિરેન મહેતાને લગભગ ચાલીસ વર્ષથી વધું પત્રકારત્વનો અનુભવ છે , એમણે પત્રકારત્વની શરૂઆત ગુજરાત સમાચારથી કરી અને આજે ચિત્રલેખામાં તંત્રી સ્થાને પહોંચ્યા છે.
રાજેશ થાવાણીએ પોતાના કરિયરની શરૂઆત ‘અભિયાન’થી કરી અને પછી મિડ ડે સાથે જોડાઈને મિડ ડેની કાયાકલ્પ કરવાનું સુંદર અને પડકારજનક કાર્ય કર્યું છે. એમણે પોતે શરૂ કરેલું ‘મુબૈયા ગુજરાતી ‘ પહેલા પ્રિન્ટ મીડિયા તરીકે અને પછી ડિજીટલ ( pdf format ) માં લોકો સુધી પહોચાડવાનું ચાલું રાખ્યું છે.
ડૉ મયુર પરીખે આલ્ફા ગુજરાતી ચેનલથી પોતાના કરિયરની શરૂઆત કરીને અનેક ચેનલો પર અનુભવ લીધા પછી હાલમાં ન્યૂઝ કન્ટિન્યૂસ ડોટ કોમ નામના ડિજીટલ પ્લેટફોર્મ પરથી લોકો સુધી ન્યૂઝ પહોંચાડવાનું કાર્ય કરે છે.
કાર્યક્રમની શરૂઆત જાણીતા અને માનિતા સાહિત્યકાર કવિત પંડ્યાએ કરી, ત્યારબાદ સંજય પંડ્યાએ રાજ્યગાન પછી હાજર શ્રોતાઓનું અભિવાદન કરી કાર્યક્રમનું સંચાલન પ્રતિમા પંડ્યાને સોંપ્યું.
પ્રતિમા પંડ્યા એક શિક્ષક છે, કાવ્ય, ગઝલ, ગીત અને અછાંદસ ખૂબ સુંદર રીતે લખી શકતા પ્રતિમા પંડ્યાનું નામ મુંબઈ સાહિત્ય જગત માટે અજાણ્યું નથી.
પ્રતિમા પંડ્યાએ ત્યાર બાદ પ્રશ્નોત્તરી માટે જ્હાનવી પાલને સ્ટેજ પર આમંત્રિત કર્યા. જહાનવી પાલ પોતે જાણીતા પત્રકાર છે, ઈન્ડિયન ટેલિ એવોર્ડ્સ, એમિ એવોર્ડ્સ અને ટેલેન્ટ એવોર્ડ્સ માટે જ્યુરી તરીકે રહી ચૂકેલા જહાનવી પાલનુ લાસ્ટ પુસ્તક બિયોન્ડ ફિફ્ટી જે પચાસની ઉપરની વ્યક્તિઓને ઇનસ્પાયર કરે એવું છે. આમ વિવિધ અને વિશાળ અનુભવોનો ખજાનો ધરાવતી પાંચ વ્યક્તિઓ સ્ટેજ પર બિરાજમાન થાય અને ગોઠડી કરે ત્યારે શ્રોતાઓને તો જલસો જ પડે ને?
દરેક પત્રકારને એમણે એમનાં કરિયરની શરૂઆત કેવીરીતે કરી એ ઔપચારિક સવાલો પુછાયા પછી પ્રિન્ટ મીડિયા અને ડિજીટલ મિડિયા વચ્ચે શું ફરક અને ડિજીટલ મિડિયાના આ યુગમાં હવે પ્રિન્ટ મીડિયાનું ભવિષ્ય શું? એવો મહત્વનો સવાલ પૂછાયો.
રાજેશ થાવાણીએ pdf format માં જો લોકો સુધી દૈનિક કે સાપ્તાહિક લઈને પહોંચીએ તો સ્પેસનો અભાવ રહેતો નથી એ જણાવ્યું જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર જ કાર્યરત એવા ડૉ મયુર પરીખે જણાવ્યું કે સમાચાર કેટલી ઝડપથી લોકો સુધી પહોંચે છે એ પણ એટલું જ જરૂરી છે આજનાં સમયમાં એ સમજાવ્યું.
તમારા કરિયર દરમિયાન ક્યાં ક્યાં પડકારોનો સામનો કર્યો / કરવો પડ્યો એ સવાલના જવાબમાં
રાજેશ થાવાણીએ કહ્યું કે તેઓ એક્સિડેન્ટલ પત્રકાર છે અને એમણે ક્યારેય સ્પોટ રિપોર્ટિંગ નથી કર્યું છતાં ક્યારેક ધાર્મિક ઝનૂનને કારણે કોઈક લેખને ધ્યાનમાં લઈને ધમકીઓનો સામનો કર્યો છે. હિરેન મહેતાએ કહ્યું કે એમણે ઘણી મુશ્કેલ અને અશક્ય લાગે એવી જગ્યાએ જઈને રિપોર્ટિંગ કર્યું છે જેમ કે કારગીલ યુધ્ધ, પાકિસ્તાનની સફર અને કાશ્મીર તો તેઓ બાર વખત રિપોર્ટિંગ માટે ગયા છે એટલે અનેકવાર પડકારજનક પરિસ્થિતિઓને સામનો કર્યો છે.
ડૉ મયુર પરીખે ઘણાં કિસ્સા પણ કહ્યા જેમાં કેદારનાથ ની આપદા અને બિહારનો નક્સલી વિસ્તાર ઉલ્લેખનીય કહી શકાય.
નવા પત્રકારોએ આ ફિલ્ડમાં આવવું જોઈએ કે નહીં એવું પુછતાં ત્રણેય પત્રકારોએ એકી અવાજે કહ્યું કે આવા ક્ષેત્રનો એક નશો હોય છે. જો એ ઝનુન હોય, આવું કામ કરવાનો આનંદ મળતો હોય તો ચોક્કસ આવવું જોઈએ.
હા, આ ફિલ્ડમા અઢળક પૈસા નથી પણ એક અલગ પ્રકારનો કામ કર્યાનો સંતોષ જરૂર છે.
પછી જ્યારે શ્રોતાગણમાથી સવાલો પૂછવાની છૂટ મળી ત્યારે નિરંજન પંડયાએ એ જમાનામાં જ્યારે પત્રકારોનો પગાર ખાસ આકર્ષક નહોતો ત્યારે આ ક્ષેત્રમાં આવીને એક મુકામ સુધી પહોંચવા બદલ સૌને ધન્યવાદ આપ્યા.
મેં જ્યારે એ સવાલ પુછ્યો કે
આજના સમયે જ્યારે દેશ બે અલગ અલગ વિચારધારાને કારણે બે ભાગમાં વહેંચાઇ રહ્યો છે ત્યારે પત્રકારની શું ભૂમિકા હોવી જોઈએ?
જવાબ: પત્રકારે હંમેશા સત્યને સાથ આપવો જોઈએ, પ્રવાહમાં વહી જવાને બદલે સાચી વાત પોતાની હદમાં રહીને લોકો સમક્ષ મૂકવાની હિંમત રાખવી જોઈએ.
આજના સમયમાં પત્રકારો માટે સૌથી વધું પડકારજનક શું છે એવું પુછતાં જ તેઓએ કહ્યું કે દૈનિક સાપ્તાહિક ચાલી શકે એટલું ફંડ જમા કરવું અને એ પણ ethicsને જાળવીને એ સૌથી વધું પડકારજનક છે.
પૈસા કમાવા પણ સિધ્ધાંત સાથે કે સિધ્ધાંત વગર એ વિચારવું જરૂરી છે એ ઉપરાંત વાચકોનો રસ સતત જળવાઈ રહે એવું પીરસતું રહેવું એ પણ એક પડકાર જ કહી શકાય
આ કાર્યક્રમમાં અભિયાન સાથે જોડાયેલા અવિનાશ પારેખ પણ હાજર હતા.
આખાયે કાર્યક્રમમાં આજનાં પત્રકારત્વ વિશે અઢળક માહિતી મળી, આનંદ આનંદ
મમતા પટેલ
🙏😊