એક લધુ વાર્તા…

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
શીર્ષક: માનવીય સંવેદનાનું બીજ…🌹
કૃપેશ હજુ માંડ પાંચ વર્ષનો થયો હશે.દિવસે માતા-પિતા નયનેશ અને રચના બંને પોતપોતાની કારકિર્દીમાં વ્યસ્ત રહેતા અને ઓફિસ જતા. આ કારણે કૃપેશ નાનો હતો ત્યારથી જ તેના દાદા-દાદી કિરીટભાઈ અને સંગીતાબેનની સાથે વધુ રહેતો. એક રીતે કહીએ તો કૃપેશના સંસ્કાર સિંચનની જવાબદારી દાદા-દાદીએ સંભાળી લીધી હતી અને તેથી જ આ બાબતમાં માતા-પિતા તરીકે નયનેશ અને રચના બંને બિલકુલ નિશ્ચિંત હતા. દાદા-દાદી સાથે મંદિરે જવું, પાર્કમાં જવું અને સુંદર બાળ વાર્તાઓ સાંભળવી એ કૃપેશનો નિત્યક્રમ થઈ ગયો હતો.
દરરોજ સવારે કિરીટભાઈ અને સંગીતાબેન મંદિરે દર્શન કરવા જતાં. વર્ષોથી આ તેમનો નિત્યક્રમ હતો. હવે તેમાં કૃપેશને પણ સામેલ કર્યો. સવારે શાળાએ જવાનું હોવાથી દરરોજ સાંજે કિરીટભાઈ કૃપેશને લઈને ઘરથી નજીક આવેલા મંદિરે જતા અને પછી પાર્કમાં જઈને પાછા આવતા. મંદિરના પ્રાંગણમાં એક અંધ સુરદાસ વૃદ્ધ બેસતાં અને વાંસળીવાદન દ્વારા સુંદર ભજનોની ધૂન વગાડતા. મંદિરમાં દર્શન કરવા જતાં પહેલાં આ સુરદાસની પાસે થોડીક વાર થોભી તેમની વાંસળીને આનંદથી સાંભળવી એ દાદા-પૌત્રનો નિત્યક્રમ બની ગયો હતો. તેઓ ક્યારેક ફ્રુટ, ક્યારેક બિસ્કીટ તો ક્યારેક પૈસાનું દાન આ સુરદાસ વૃદ્ધને કરતાં. કૃપેશને પણ જાણે આ સુરદાસજી સાથે આત્મીયતાનું જોડાણ થઈ ગયું હતું. સુરદાસજી પણ કૃપેશની આવવાની આહટ કળી જઈને તુરંત વાંસળી વગાડવાનું ચાલુ કરી દેતા.
છેલ્લા એક અઠવાડિયાથી કિરીટભાઈ અને કૃપેશ મંદિરે જતા પરંતુ આ સુરદાસની નિશ્ચિત જગ્યા ખાલી દેખાતી. કૃપેશની આંખો તેમને શોધતી રહેતી. છેવટે લાવેલ ફ્રુટ અને બિસ્કીટ બીજા ગરીબોને વહેંચી મંદિરે દર્શન કરી પાછા આવતાં. પંદર દિવસ થવા આવ્યા,પરંતુ સુરદાસજી દેખાતા જ નથી. કૃપેશના મુખ ઉપર એક અજબની ઉદાસી ટપકી રહી હતી. કિરીટભાઈ કૃપેશની ઉદાસીનું કારણ સમજી ગયા હતા. બાજુમાં ફુલવાળાની દુકાને પૂછતાં ખબર પડી કે સુરદાસજીની તબિયત ઠીક નથી તેથી તેઓ આવતા નથી. કૃપેશને સમજાવતાં કહ્યું. ‘જો બેટા, તેમની તબિયત સારી ન હોય તો પણ તે ન આવી શકતાં હોય’.
કૃપેશે તેમનું આ વાક્ય ઝીલી લીધું અને નિર્દોષ ભાવે બોલ્યો, ‘જો એમની તબિયત સારી ન હોય તો એમની સંભાળ કોણ લેતું હશે? મને તાવ આવ્યો હતો ત્યારે તમે બધાંએ ભેગાં મળીને મારી કેટલી કાળજી લીધી હતી. તેથી હું ઝડપથી સાજો થઈ ગયો હતો. તેમની કાળજી લેનારા કોઈ હશે કે નહીં? દાદા મને એક વિચાર આવ્યો છે, આપણે સુરદાસજીની ખબર લેવા એમના ઘરે જઈએ તો કેવું?’ હવે તે ઉત્તરની અપેક્ષાએ ટગર ટગર કિરીટભાઈ ની આંખોમાં જોઈ રહ્યો. કૃપેશનો ભાવથી ભરેલો ચહેરો જોઈને કિરીટભાઈએ તેની વાતમાં ડોક હલાવી મૂક સંમતિ આપી. કૃપેશની આંખોમાં ચમક આવી અને ચહેરા પર સ્મિત રેલાયું. કિરીટભાઈએ ફુલવાળાની દુકાનેથી સુરદાસજી જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા ત્યાંનું સરનામું જાણી લીધું.
ઘરે પહોંચીને કિરીટભાઈએ પત્ની સંગીતાબેન, પુત્ર નયનેશ અને પુત્રવધુ રચનાને આ સઘળી વાત કરી અને કૃપેશની લાગણી અને સંવેદનાઓને જોતાં તેમણે કૃપેશને લઈ સુરદાસજીની ખબર જોવા તેમની ઝૂંપડપટ્ટીમાં જવાનું નક્કી કર્યું છે એમ જણાવ્યું. એક ક્ષણ નયનેશ અને રચના એકબીજાની આંખોમાં જોઈ રહ્યા પરંતુ બીજી જ ક્ષણે નયનેશે કહ્યું, ‘તમે એકલા નહીં, આપણે સાથે જઈશું’. બીજે જ દિવસે શનિવાર એટલે કે ઓફિસમાં રજાનો દિવસ હોવાથી જવાનું નક્કી થયું. વહેલી સવારે જ નયનેશ તેની ગાડીમાં કિરીટભાઈ અને નાનકડા કૃપેશને લઈને ઝૂંપડપટ્ટીના આપેલા સરનામા ઉપર પહોંચી ગયો. ઝૂંપડીના દરવાજે જેવા તેઓ પહોંચ્યા કે અંદરથી ખાંસવાના અવાજ સાથે વાંસળીના ભાંગ્યા તૂટ્યા સૂરો વહેવા લાગ્યા. સાથે સુરદાસજીની આંખમાંથી અશ્રુબિંદુઓ પણ ટપકવા લાગ્યા. કૃપેશની આહટ સુરદાસજી ઓળખી ગયા હતા.
ઝૂંપડીમાં સુરદાસજી અને તેમના પત્ની રહેતા હતાં. વાંસળી બાજુમાં મૂકાવી ખબર અંતર પૂછતાં તેમના પત્નીએ બે હાથ જોડીને કહ્યું, ‘સાહેબ અમે તો ગરીબ માણસ, ડોક્ટરને બતાવવાના પણ પૈસા નથી. ખૂબ તાવ આવે છે અને બોલાતું પણ નથી છતાં તેમનો વાંસળીનો સાથ છૂટતો નથી.’ નયનેશ તે જ દિવસે સુરદાસજીને પોતાની ગાડીમાં હોસ્પિટલ લઈ ગયો અને તબીબી તપાસ કરાવી. ડોક્ટરે જણાવ્યું કે સુરદાસજીને ફેફસામાં ગંભીર રીતે ઇન્ફેક્શન થયું છે અને તાત્કાલિક સારવારની જરૂર છે. હોસ્પિટલમાં દાખલ થઈ ફેફસાંમાંથી પાણી ખેંચવું પડશે. નયનેશ અને કિરીટભાઈ બંનેએ સુરદાસજી ની જરૂરી દરેક સારવારની જવાબદારી પોતાના શિરે લીધી. હોસ્પિટલમાં ભરતી થઈ જરૂરી સારવાર ચાલુ કરાવી.
સારવાર અને દવાઓની વ્યવસ્થા થતાં સુરદાસજીનું ફેફસાંનું ઇન્ફેક્શન કાબૂમાં આવી ગયું અને ઝડપથી સ્વસ્થ થવા લાગ્યા. જ્યારે પાછા ધરે પહોંચ્યા ત્યારે ત્યાં તેમને આવકારવા નાનકડો કૃપેશ પણ હાજર હતો. આજે તે સુરદાસજી માટે ફળોની આખી ટોકરી લાવ્યો હતો. નયનેશે તેને કહ્યું હતું કે,હવે આપણા સુરદાસજી એકદમ સારાં થઈ ગયા છે. માત્ર થોડા દિવસો વાંસળી વગાડવાનું બંધ રાખવું પડશે.પછી કોઈ વાંધો નથી. સુરદાસજી અને તેમના પત્ની હાથ જોડી નયનેશ અને કિરીટભાઈની સમક્ષ ઉભા રહ્યાં. સુરદાસજી બોલ્યા, ‘મંદિરની બહાર બેસીને હું જીવનભર વાંસળી વગાડતો રહ્યો અને મારો કાનુડો કૃપેશ મારી મુશ્કેલીમાં તમને ભગવાન બનાવી મારી સામે લઈ આવ્યો. અમારા માટે તમે ભગવાનથી જરાય ઓછાં નથી. હવે સારો થતાં સૌ પ્રથમ મારી વાંસળી મારા કાનુડા કૃપેશને માટે જ સૂર રેલાવશે. કૃપેશ, મારી વાંસળી સાંભળવા આવીશ ને?’ કૃપેશ પપ્પા અને દાદાની આંગળી પકડી પાછો વળી સુરદાસજી તરફ રાહતની નજરે જોતાં જોતાં ખુશ થતો ઘરે આવ્યો. આ તરફ મનમાં કિરીટભાઈ પણ વિચારી રહ્યા કે, આપણે ભગવાનને મંદિરમાં શોધીએ છીએ, પરંતુ તે તો મંદિરની બહાર, આપણી અંદર જ હોય છે. કૃપેશે તેમને શોધી આપવામાં મદદ કરી.
પરિકલ્પના:
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૨ જૂન ૨૦૨૨.