કંપની સામે પ્રોડક્ટને વધારવા 1000 કરોડ રૂપિયા મફત ભેટ આપવાનો આરોપ લાગ્યો

ડોલો 650 દવા બનાવતી કંપની માઇક્રો લેબ્સને લઇને દરરોજ કોઈને કોઈ ખુલાસો થઈ રહ્યો છે. કંપની પર ઇનકમ ટેક્સ વિભાગના દરોડા બાદ હવે કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડની તપાસમાં મોટી જાણકારી સામે આવી છે. સીબીડીટીએ ડોલો 650 બનાવતી કંપની સામે તેમના પ્રોડક્ટને વધારવા માટે ડોક્ટર અને તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને 1000 કરોડ રૂપિયા મફત ભેટ આપવાનો આરોપ લાગ્યો છે.
1.20 કરોડ રૂપિયાની અઘોષિત રોકડ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 6 જુલાઈના બેંગલુરૂ સ્થિત માઇક્રો લેબ્સ લિમિટેડના 9 રાજ્યોમાં 36 સ્થળો પર દરોડા બાદ આ દાવો કર્યો છે. સીબીડીટી તરફથી બુધવારના એક નિવેદનમાં જણાવ્યું કે દવા બનાવતી કંપની સામે કાર્યવાહી બાદ વિભાગે 1.20 કરોડ રૂપિયાની અઘોષિત રોકડ અને 1.40 કરોડ રૂપિયાના સોના અને હીરાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા છે.
આ વિશે માઇક્રો લેબ્સને મોકલવામાં આવેલા ઇમેઇલનો કંપની તરફથી હાલ કોઈ જવાબ આવ્યો નથી. સીબીટીડીએ કહ્યું, તપાસ અભિયાન દરમિયાન દસ્તાવેજો અને ડિજિટલ ડેટા તરીકે આપત્તિજનક પુરાવા મળ્યા છે અને તેમને જપ્ત કરવામાં આવ્યા છે. બોર્ડના જણાવ્યા અનુસાર પુરાવાથી સંકેત મળ્યા છે કે ગ્રુપે તેમના પ્રોડક્ટને વધારવા માટે ખોટી પદ્ધતિઓનો પણ આશરો લીધો. આ રીતે મફત ભેટની રકમ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજો છે.