આજથી અમારે અહિંયા ઓસ્ટ્રેલિયામાં વસંતની શરૂઆત થઈ. આજે આખો દિવસ ઘણા બધાએ વસંતનાં વધામણાં કર્યા ને વાસંતી વૈભવ પણ માણ્યો. આટલાં વર્ષોથી અહિંયા સ્થાયી હોઈએ એટલે અમારે મન તો આ જ ખરી વસંત. અમે પણ અમારી વસંતને મન ભરીને માણીયે છીએ.
લ્યો ત્યારે, મારી કલમે પણ વસંતને વધાવી છે હો..!!
વાસંતી વાયરો વાયો ને હૈયે ફૂંટી નાની – શી કૂંપળ,
ઉગ્યો કુમળો સ્પર્શ, ને બરછટ ટેરવાં થયાં સળવળ.
મ્હેંક્યું રોમેરોમ આજ તો, ને મ્હોર્યો કેસુડો ડાળે-ડાળ,
ભરબપોરે ટહુકી મીઠડું કોયલ આજ આંબલિયા ડાળ.
ગહેંક્યો મોરલો કહી ગયો સાનમાં ને થયું મન ચંચળ
નદીએ આવ્યાં નીર ને વહી ગયું આ ઝરણું ખળખળ
વેઠી પાનખર તો આવી વસંત આજ મનને આંગણ,
વસંતનો વૈભવ ક્યાં ટકે? બે ઘડી મનમાં જાગે ફાગણ
માણી લે આ ક્ષણોને ‘ઝીલ’, ક્યાં લગી શ્વાસોનું પહેરણ,
પાનખરનાં હૈયે ટહુકી રહ્યું છે વાસંતી મહેંકનું સ્મરણ.!!