🌾🥀🌾🥀🌾🥀🌾🥀🌾🥀🌾🥀🌾🥀🌾🥀

૨૬ જાન્યુઆરી ૨૦૦૧નો દિવસ મનુષ્ય ઈતિહાસમાં ક્યારેય ભૂલી નહીં શકાય. ધરતીના પેટાળમાંથી ઉદભવેલ અતિભયાનક ધરતીકંપે વહેલી સવારે ગુજરાતની ધરતી હચમચાવી મુકી. મનુષ્યની કલ્પના બહારનો વિનાશ સર્જાયો. એક બહુમાળી ઈમારતમાં નાનકડું સુખી કુટુંબ રહેતું હતું. મનોજ, પત્ની દિપા, ૬ વર્ષની મોટી પુત્રી હંસિકા અને ૨ વર્ષની નાની પુત્રી નૈયા. ભયાનક અવાજ સાથે પત્તાનો મહેલ પડે એમ કડડભૂસ થઇ આખી બહુમાળી ઇમારત મિનિટોમાં ભોંય ભેગી થઈ ગઈ. આખું કુટુંબ ઈમારત તૂટવાની સાથે જમીન ઉપર ધરબાઈ ગયું. ધૂળના ગોટા વચ્ચે માણસોના આર્તનાદ અને બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ છવાઈ ગયું. માણસોના કણસવાના અવાજ થોડા સમય પછી આપોઆપ શાંત થઈ ગયા. ઘટનાના ૫-૬ કલાક બાદ કોંક્રિટના કાટમાળ વચ્ચેથી એક બાળકીનું ડુસકું સંભળાયું. અરે! આ તો નાનકડી નૈયા,એ જીવે છે. માતા દિપાએ મજબૂતીથી નૈયાનો હાથ હજુ પણ પકડી રાખ્યો હતો. મનોજ, દિપા અને મોટી પુત્રી હંસિકાનું પ્રાણપંખેરૂ ઉડી ચૂક્યું હતું. બે વર્ષની આ નાનકડી નૈયાના ધબકારા હજુ ચાલુ હતા. ભલભલાનું કાળજુ કંપાવી દે તેવું આ દૃશ્ય હતું. નાનકડી બાળકી નૈયાને સિફતથી આ મૃતદેહોથી અલગ કરી બચાવી લેવામાં આવી.
આ કારમી ઘટનાએ નાનકડી નૈયાના બાળ માનસ ઉપર ખૂબ ઊંડી અસર કરી હતી. હવે બે વર્ષની નાનકડી નૈયાના ઉછેરની જવાબદારી મનોજના નાના ભાઈ રોહિત અને તેની પત્ની મિતાલીએ સ્વીકારી લીધી હતી. બંને નૈયાને માતા-પિતાનો પ્રેમ અને હૂંફ આપવા પૂરી કોશિશ કરતાં. સમય જતાં નૈયા ભયના ઓથારમાંથી ધીમે ધીમે બહાર નીકળી અને સ્વસ્થ થતી ગઈ. રોહિત અને મિતાલી સતત કાળજી લેતાં કે કુમળી વયે નૈયાની આગળ કોઈ ધરતીકંપની કારમી હોનારતમાં તેણે પોતાના માતા-પિતા અને બહેન ગુમાવ્યાનો ઉલ્લેખ ન કરે. આ ઘટનાની છબી નૈયાના કુમળા માનસ પરથી ધૂંધળી બનાવતા ખૂબ જહેમત પડી. બીજી તરફ નૈયાને સતત એવી પ્રતીતિ થતી હતી કે કોઈ અદ્રશ્ય બળ પડછાયો બની તેની સાથે રહે છે. ક્યારેક રાત્રે ઊંઘમાં તેના માથે કોઈ પ્રેમથી હાથ મૂકતું હોવાની લાગણી થતી. આ પ્રેમ અને લાગણીનો એહસાસ નૈયાના ચહેરા પર સ્મિત લાવતું હતું. નૈયાને આનાથી ડર નહીં પણ સુરક્ષાની વિશિષ્ટ અનુભૂતિ થતી હતી.
મોટી થતાં શાળાના એક બસ પ્રવાસમાં નૈયા પણ જોડાઈ હતી. બાળકો ધીંગામસ્તી કરતાં કરતાં અને પ્રવાસમાં લખલૂંટ આનંદ માણતા આગળ વધી રહ્યા હતાં. અચાનક હાઈવે ઉપર સામેથી આવતી એક મોટી માલવાહક ટ્રક સાથે વિદ્યાર્થીઓની બસનો ભીષણ અકસ્માત થયો. બસ પલટી ખાઈ ગઈ અને વાતાવરણ બાળકોની ચીસો અને ચિચિયારીઓથી ભરાઈ ગયું. બસના ડ્રાઇવર અને બે બાળકોનું સ્થળ પર મૃત્યુ થયું અને ઘણાને ગંભીર ઇજા થઇ. પરંતુ નૈયાનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. તેના શરીર ઉપર એક ખરોચ સુધ્ધાં આવી નહોતી. એવું લાગતું હતું કે, નૈયાની સુરક્ષા કરતો પડછાયો નૈયા અને કાળની વચ્ચે ઢાલ બનીને આવી ઊભો રહ્યો. આવા ભીષણ અકસ્માતમાં નૈયાનું બિલકુલ ઈજા વગર આબાદ બચી જવું એ એક ચમત્કારથી ઓછું નહોતું. રોહિત અને મિતાલી જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચ્યા અને તુરંત નૈયાને વહાલ ભેર ઊંચકી લીધી અને આંખમાં અશ્રુ સાથે ઈશ્વરનો બે હાથ જોડી આભાર માન્યો. નૈયાના મુખ ઉપર એક અજીબ પ્રકારનો વિશ્વાસ દેખાતો હતો.
નૈયા ભણવામાં પણ ખૂબ તેજસ્વી હતી. શાળા અને કોલેજનું શિક્ષણ પૂરું કરી એમ.બી.એ. થઈ પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. હવે નૈયાના ટૂંક સમયમાં લગ્ન થવાના છે. રોહિત અને મિતાલી નૈયાને સાથે લઈ તેમના કુળદેવીના મંદિરે દર્શન કરવા ગયા. બે હાથ જોડીને શ્રધ્ધાપૂર્વક નૈયાના માતા-પિતા મનોજ અને દિપાને યાદ કરી પ્રાર્થના અને વિનંતી કરી કે, અમે તો ઉછેર માટે નિમિત્ત માત્ર બન્યા, પરંતુ આજ સુધી પડછાયા રૂપી સુરક્ષાકવચ બનીને આપે નૈયાનું રક્ષણ કર્યું છે. હવે તે પ્રભુતામાં પગલાં પાડવા જઇ રહી છે. તમારો આશિર્વાદ ભર્યો હાથ હંમેશા નૈયાના માથા ઉપર રાખજો, પરંતુ તેની જવાબદારીમાંથી હવે મુક્ત થાઓ. અને તેઓ ત્રણે મૌન રહી આ સૃષ્ટિના વિધાતાને વંદન કરી રહ્યા.
✍️ નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૫ મે ૨૦૨૨