આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને પુરા પાડવામાં સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો પ્રથમ ક્રમાંકે

રાજપીપળા આયુષ્માન યોજનાના કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો
જિલ્લામાં નોંધાયેલા ૩.૭૩ લાખ લાભાર્થીઓ પૈકી ૨.૫૨ લાખ લાભાર્થીઓને અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ અપાયા :
રાજપીપલા,તા17
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આયુષ્માન કાર્ડ (PMJAY) યોજનાના લાભાર્થીઓને પ્રિન્ટેડ આયુષ્માન કાર્ડ વિતરણના કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સમારોહ યોજાયો હતો. તેવી જ રીતે જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકાકક્ષાનો સમારોહ પણ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલી જોડાઇને ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થીત અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવારનો લાભ મેળવનાર લાભાર્થીઓ સાથે સંવાદ કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ પણ વર્ચ્યુઅલ જોડાઇને સંબોધન કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આયુષ્માન કાર્ડની યોજના વર્ષ-૨૦૧૮ થી શરૂ કરવામાં આવી હતી. જેમાં રૂા.૫ (પાંચ) લાખ સુધીની મફત આરોગ્ય સુવિધા નાગરિકોને મળે છે, ત્યારે નર્મદા જિલ્લામાં થઈ રહેલી આયુષ્માન કાર્ડની કામગીરી અને આરોગ્ય વિભાગની ટીમને બિરદાવતા તેઓએ ઉમેર્યું હતું કે, આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને પુરા પાડવામાં સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યોં છે. હજી પણ આ કાર્ડથી વંચિત રહી ગયેલા લોકોને શોધીને તેમને ઝડપથી આયુષ્માન કાર્ડ મળે અને સરકારની આ યોજનાનો લાભ છેવાડાના માનવીને પણ ઉપલબ્ધ થાય અને જિલ્લામાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થાય તે દિશામાં નક્કર કાર્યવાહી કરવા જિલ્લા પ્રમુખએ દિશાસૂચન કર્યું હતું. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે તેમજ તાલુકાકક્ષાના કાર્યક્રમોમાં પ્રતિકાત્મક રીતે પાંચ-પાંચ લાભાર્થીઓને જે તે તાલુકા પંચાયતના પ્રમુખઓ, અન્ય પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં અત્યારસુધી નોંધાયેલા ૩.૭૩ લાખ લાભાર્થીઓ પૈકી ૨.૫૨ લાખ લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યાં છે. એટલે કે જિલ્લામાં અત્યાર સુધી આયુષ્માન કાર્ડ અંતર્ગત ૬૭.૪૨ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. લાભાર્થીઓને આપવામાં આવેલા કાર્ડ પૈકી અત્યાર સુધી ૨૦,૯૭૭ જેટલાં ક્લેમ કરવામાં આવ્યાં છે જેના થકી અત્યાર સુધીમાં કુલ રૂા.૪૩ કરોડ ક્લેમની રકમ ચૂકવવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં પીવીસી આયુષ્માન કાર્ડ વિતરણના હાથ ધરાયેલા કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના ૭,૭૩૭ કાર્ડ, ગરૂડેશ્વર તાલુકાના ૫,૧૭૮ કાર્ડ, તિલકવાડા તાલુકામાં ૨,૭૬૭ કાર્ડ, દેડીયાપાડા તાલુકામાં ૧૫,૭૫૪ કાર્ડ અને સાગબારા તાલુકામાં ૫,૬૧૧ કાર્ડ મળી કુલ-૩૭,૦૪૬ કાર્ડનું આગામી ૩ દિવસના સમયગાળામાં આ લાભાર્થીઓનું E-KYC કરીને જિલ્લાના ગામેગામ જે તે લાભાર્થીઓને આરોગ્ય વિભાગ દ્વારા કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આયુષ્માન કાર્ડ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નર્મદા જિલ્લાના તમામ પાંચેય તાલુકાઓમાં કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો અને લાભાર્થીઓએ નિહાળ્યું હતું.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા