રાત કેમ અજવાળવી કોઈ શીખે તારી પાસે ચાંદની
લાગણી પીગળાવવી કોઈ શીખે તારી પાસે ચાંદની

નૃત્યમાં કેવી મઝા હોય છે ઉત્તમ હાવભાવની
ઉષ્ણતામાં શીતળતા કોઈ શીખે તારી પાસે ચાંદની
અંતાક્ષરી કેવી રમે છે તું ચાંદ તારાઓ સાથે
મેઘધનુ પર લપસણી કોઈ શીખે તારી પાસે ચાંદની
દરેક પખવાડિયાનો અલગ પ્રવાસ હોય છે તારો
સંતાકૂકડીનો અંદાજ કોઈ શીખે તારી પાસે ચાંદની
ધીર ગંભીર સુંવાળી શ્વેત ક્ષણો વિસ્તારે છે તું
ઉજળી અંધારી ઠંડક કોઈ શીખે તારી પાસે ચાંદની
ઝુંપડી કે મહેલ બધેય હોય જ છે તારો વ્યાપ
ભેદ બધાં તોડવાનું કોઈ શીખે તારી પાસે ચાંદની
હું, શાંત કિનારો, સમી સાંજ ને આવી રહેલી તું
પ્રેમીઓને મેળવતાં કોઈ શીખે તારી પાસે ચાંદની
– પૂજન મજમુદાર ૨૮/૧૦/૨૦૨૨