
સમગ્ર રાજયમાં સૌ પ્રથમ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે અધતન ઘોડિયા ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના હસ્તે આ ઘોડિયા ઘરને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ઘોડિયા ઘરની વિશેષ માહિતી આપતાં અધિક નિવાસી કલેકટર શ્રી રીતુ સિંગે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીના ચોથા માળ ખાતે આ ઘોડિયા ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું અધતન ઘોડિયા ઘર રાજયની કોઇપણ કલેકટર કચેરી ખાતે નથી. માત્ર ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આ અધતન ઘોડિયા ઘર બનાવવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, કલેકટર કચેરીમાં નોકરી કરતી મહિલાઓ પોતાના બાળકની ચિંતા ન રહે તે માટે ઉત્તમ સુવિધાયુક્ત ધોડિયા ઘર બનાવવામાં આવ્યું છે. આ ઘોડિયા ઘર બાળકોના ઉછેર સાથે સાથે તેમાં સંસ્કારનું સિંચન પણ કરશે. પાપા પગલી માંડતું બાળક મોટું થશે, પછી કયાં રાખશું તેની ચિંતામાંથી પણ મહિલા કર્મયોગીઓને કરવાની નથી. કારણ કે, આ ઘોડિયા ઘરમાં ૦ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને રાખવામાં આવશે. નાના બાળકો માટે રમવાના અધતન રમકડા, લપસણી અને અન્ય સુવિધા રાખવામાં આવી છે. તેમજ નાના ભુલકાઓને સમયાંતરે જમવાનું પૌષ્ટિક મળી રહી તેમના ખોરાકની જાળવણી યોગ્ય રીતે થાય તે માટે ફીઝ, ઇન્ડેક્ષ કુકર, પીવાના પાણીની સુવિધા પણ કરવામાં આવી છે. તેમજ ૧૨ વર્ષ સુધીના બાળકો માટે સુવા માટે અલગ બેડની સુવિધા પણ કરવામાં આવી છે. મહિલા કર્મયોગી બાળકનું સ્તનપાન કરાવી શકે તે માટે અને ઘાત્રી માતાઓને બેસવા માટેથી અલગ રૂમની સુવિધા પણ ખાસ આ ઘોડિયા ઘરમાં કરવામાં આવી છે.
આ ઘોડિયા ઘરના આરંભ પ્રસંગે કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—————————————————————————-