ગામના પાદરે ઘેંટ્યા કરતી
ઊંઘરેટી સડકો હવે ઠેઠ ઘરના
બારણા સુધી આવી ગઈ છે.
મે ‘ માન ?
હવે આંગણિયા પૂછીને નહિ ,
રિંગ કરીને નેઇમ પ્લેટ
વાંચીને ઘરે આવજે.
બોલો અતિથિ!
ઘર કબ આઓગે?
ઘર આંગણા અને વાડા હવે
ખેતરોમાં શેઢાની જેમ લુપ્ત
થવાના આરે છે.
શહેરોથી જોડાયેલ આ સડકો
સારું અને નરસું બધું ગામમાં
લઈ આવી.
ગામડે ખેતી બધા કરે છે,
પણ ખેડૂત ક્યાં જોવા મળે છે?
થેપાડું,બંડી અને ફાળિયા
માથે રહ્યા છે ખરા?
ક્યાં છે નેળિયા અને હળ ?
ક્યાં છે પાદર અને બળદગાડા?
પણુરા અને ડચકારા ય ગયા.
બધેય ડામર અને બ્લોક રેલાઈ ગયા.
પછી આ વતનની ધૂળ,માટી
અને તેની માયા ક્યાં રહી?
ગામડાનો કાયાપલટ થઈ ગયો.
લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ.
ઘેર ઘેર દ્વિચક્રી, ફોર વ્હીલ
વાહનોની ભરમાર થઈ ગઈ.
લાલ -લીલી બસ,
પરોણાગત વિસરાઈ ગઈ.
સેવાકર્મી,વ્યવસાયીઓના
વ્યવસાય,સેવાઓ લકવાઇ.
કેટકેટલું ગણાવવાનું?
ગર્વ છે ગુજરાતી છુ!
પણ મારી તળપદી ગુજરાતી
ભાષા વિસરાય છે.
બદલાતી જીવનશૈલી,
શહેરો ભણી આંધળી દોટ,
પોતીકી સંસ્કૃતિની અવગણના!
ન પૂરી કરી શકાય તેવી
ખોટ પડી છે…
ભાષાની મીઠાશ, તળપદાપણું
અને પોતીકાપણું ગુમાવીએ છે.
ગામડાં તેની ભાતીગળ સાંસ્કૃતિક
ઓળખ ગુમાવી રહ્યા છે.
અસ્મિતા ખોવાઈ રહી છે.
ક્યાંક ક્યાંક એકલવીરો
આ ઝંઝાવાત સામે ગ્રામીણ
સભ્યતા જાળવવા ઝઝૂમતા
જોઈ થોડી રાહત રહે છે.
કોલેજની એક અભિવ્યક્તિ
તાલીમ શિબિરમાં પ્રોફેસર કવિ
મફતભાઈ ઓઝાએ કહ્યું,
“ભાઈ!તું આવતી કાલનો ડી.ઓ.”
(ડ્યુટી ઓફિસર)
“શું કીધું સાહેબ?
મને કંઈ ગમ પડી નહિ.”
શિબિરના બધા તાલીમાર્થીઓ
ખડખડાટ હસવા લાગ્યા.
“ગમ પડી નહિ…”
ત્યારે મફતભાઇએ પૂછ્યું?
“મધ્ય ગુજરાત ગ્રામ્ય?”
“હા સર!”
“વાણીમાં વતનની માટીની
ખુશ્બુ છે.”
પછી તો મે પણ મારા વતનની
ખુશ્બુ જાણી અને માણી છે.
શહેરમાં એક સાંજે ભીડભાડ
વાળા રસ્તે એક કારચાલક
સતત હોર્ન વગાડયા કરતો
હતો. તેથી ચિડાઈને આગળ
સ્કૂટર પર બેઠેલા બહેન તાડુકયા,
“જરાક તો હાહ માર!
શું ચઢયે ઘોડે નીકળ્યો છે?’
અને મારાથી સહજ બોલાઈ
ગયું ,
“વડોદરા ગ્રામ્ય!”
