જૂનાગઢ શહેરમાં આજે સવારે 10 વાગ્યાથી મેઘરાજાની તોફાની બેટિંગ
શરુ થયેલ હતી, બપોરના 4 વાગ્યા સુધીમાં અહી 4 ઇંચ વરસાદથી અનેક માર્ગો પર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી, અહીના સાબલપુર ચોકડી પાસે હાઇવે પર ભૂગર્ભ ગટરના ખાડામાં એક બસ અને એક ટ્રક ફસાયો હતો. તો ગીરનાર પર સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં અનરાધાર 7 ઇંચ વરસાદ પડતા જંગલમાં નદી-નાળા છલકાઈ ઉઠ્યા હતા. જટાશંકર પાસેના તમામ ઝરણાઓમાં યાત્રિકોએ ન્હાવાની મજા માણી હતી.

ગીરનાર પરથી પડતા ધોધ નીચેથી પસાર થતા યાત્રિકો પગથીયા પર ધસમસતા પ્રવાહમાં ચઢાણ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જિલ્લામાં અન્યત્ર સાર્વત્રિક વરસાદ પડ્યો હતો, જેમાં મેંદરડા-વંથલીમાં ૩ ઇંચ, માળિયા, માણાવદરમાં દોઢ ઇંચ, કેશોદ, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
વિલિંગડન ડેમ છલકાવાને અડધો ફૂટ બાકી રહ્યો
જૂનાગઢની જીવાદોરી સમાન વિલિંગડેમ છલકાવાને આરે છે, આજે ગીરનાર પર પડેલા 7 ઇંચ વરસાદના પાણી ધીમેધીમે ડેમમાં ઉતર્યા હતા, જેને પગલે બે દિવસમાં જ ડેમ ભરાઈ જવાની અણી પર છે, ડેમ છલકાવાને આડે હવે માત્ર અડધો ફૂટ પાણીની આવક બાકી છે, વિલિંગડેમ સાઈટ પરથી ગીરનાર અને દાતાર પર્વતનો રમણીય નજારો જોવા મળી રહ્યો હતો.
થાણાપીપળીમાં 7 ઇંચ વરસતા ગામ બેટમાં ફેરવાયું
વંથલી તાલુકાના થાણાપીપળી ગામે માત્ર બે જ કલાકમાં છ થી સાત ઇંચ વરસાદ ખાબકી જતા ગામ બેટમાં ફેરવાયું હતું, અહીના ગામના નીચાણવાળા વિસ્તારોમાં કમર કમર સુધીના પાણી ભરાતા ગ્રામજનો ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હતી, લોકો પાણી ઉતરે તેની રાહ જોઇને બેઠા હતા, અહીના નજીકના શાપુર ગામમાં પણ એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
Suresh vadher
9712193266